15 August, 2019 03:57 PM IST | મુંબઈ
પીઢ અભિનેત્રી વિદ્યા સિન્હાનું નિધન
રજનીગંધા, છોટી સી બાત, પતિ, પત્ની ઔર વો જેવી ફિલ્મોમાં કામ કરનાર પીઢ અભિનેત્રી વિદ્યા સિન્હાનું નિધન થયું છે. તેમને 10 ઑગસ્ટથી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની જુહુના ક્રિટિકેર હૉસ્પિટલમાં સારવાર થઈ રહી હતી. તેમને ફેફસા અને હ્રદય સંબંધી બિમારી હતી.
તેમની સ્થિતિ ગંભીર હોવાથી તેમને વેન્ટિલેટર પર મુકવામાં આવ્યા હતા. બપોરના એક વાગ્યા આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધા. વિદ્યા સિન્હા છેલ્લા 2011માં સલમાન ખાનની ફિલ્મ બોડીગાર્ડમાં જોવા મળ્યા હતા. તેઓ નાના પડદા પર સક્રિય હતા. તેઓ કાવ્યાંજલિ, કુલ્ફી કુમાર બાજેવાલા જેવી ધારાવાહિકમાં જોવા મળ્યા છે.
સ્વાસ્થ્યના કારણે વિદ્યા કેટલોક સમય નાના પડદાથી દૂર હતા. જો કે થોડા સમય પહેલા જ તેઓ પડદા પર પાછા ફર્યા હતા.
IANSના રિપોર્ટ પ્રમાણે તેમના વેંકટેશ્વન ઐયર સાથે 1968માં પહેલા લગ્ન થયા હતા. તેમણે જ્હાન્વી નામની પુત્રી દતક લીધી હતી. ઐયરના નિધન બાદ તેમણે મૂળ ઑસ્ટ્રેલિયાના અભિનેતા નેતાજી સાલુન્ખે સાથે લગ્ન કર્યા હતા પરંતુ બાદમાં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. તેમણે બીજા પતિ સામે ઘરેલુ હિંસાનો પણ કેસ કર્યો હતો. અદાલતે સાલુન્ખેને દર મહિને 10, 000 ભરણપોષણ પેટે આપવાનો હુકમ કર્યો હતો.