29 March, 2024 06:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાશુ ભગનાણી , અમિતાભ બચ્ચન , ગોવિંદા
ઓરિજિનલ ફિલ્મના પ્રોડ્યુસર વાશુ ભગનાણીએ આ વાત જણાવતાંની સાથે કહ્યું કે જો અમિતજી ન હોત તો ગોવિંદાને ચમકવાનો ચાન્સ ન મળ્યો હોત
પ્રોડ્યુસર વાશુ ભગનાણીનું કહેવું છે કે ઓરિજિનલ ‘બડે મિયાં છોટે મિયાં’ દરમ્યાન અમિતાભ બચ્ચને તેમને બન્નેને સમાન તક આપવા માટે કહ્યું હતું. ૧૯૯૮માં આવેલી આ ફિલ્મને ડેવિડ ધવન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી. એ ફિલ્મના પ્રોડક્શન દરમ્યાન અમિતાભ બચ્ચન પર ગોવિંદાનું સ્ટારડમ હાવી થતું જોવા મળ્યું હતું એવી વાતો એ સમયે ચાલી હતી. આ ફિલ્મને વાશુ ભગનાણીએ પ્રોડ્યુસ કરી હતી અને અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફની પણ આ જ નામની ફિલ્મને તેમણે જ પ્રોડ્યુસ કરી છે. ગોવિંદા અને અમિતાભ બચ્ચન વિશેની વાતનો જવાબ આપતાં વાશુ ભગનાણી કહે છે, ‘આ સાચી વાત છે કે એ સમયે લોકો એવી વાતો કરતા હતા. જો આખી દુનિયા એ કહેતી હોય તો હું કોણ છું કંઈ કહેનાર? જોકે હકીકત એ છે કે જો ફિલ્મમાં અમિતજી નહીં હોત તો ગોવિંદાને જેટલો ચમકવાનો ચાન્સ મળ્યો છે એ ન મળ્યો હોત. અમિતજીને કારણે ગોવિંદાનાં ખૂબ જ વખાણ થયાં હતાં. મારે આ જાહેરમાં ન કહેવું જોઈએ, પરંતુ એક દિવસ અમિતજીએ મારી પાસે આવીને કહ્યું હતું કે ‘યાર, મૈદાન ખોલ દો, હમ દોનોં દેખતે હૈં ક્યા હોગા.’ અમિતજી એકદમ અલગ અદા છે અને ગોવિંદાની પોતાની અલગ સ્ટાઇલ છે. તેમની જોડી એટલી તો સારી છે કે તેઓ શાંતિથી સાથે ઊભા રહે તો પણ દૃશ્ય અદ્ભુત બની જાય છે.’