29 November, 2022 03:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રભાસ અને ક્રિતી સૅનન
ક્રિતી સૅનન અને પ્રભાસ પ્રેમમાં હોવાનું જાણવા મળ્યું છે. આ વાતનો ખુલાસો વરુણ ધવને કર્યો છે. જોકે વરુણે એ નથી જણાવ્યું કે ક્રિતી કોની સાથે રિલેશનમાં છે, પરંતુ આડકતરી રીતે ઇશારો કરી દીધો છે કે ક્રિતી કોઈકના પ્રેમમાં છે. ક્રિતી અને પ્રભાસ ‘આદિપુરુષ’માં સાથે કામ કરી રહ્યાં છે એથી સેટ પર તેમની વચ્ચે નિકટતા આવી હોવાની શક્યતા છે. જોકે બેમાંથી કોઈએ એ વિશે ફોડ નથી પાડ્યો. હાલમાં ‘ઝલક દિખલા જા’ની ૧૦મી સીઝનના સેટ પર શોના જજ કરણ જોહરે વરુણને પૂછ્યું કે ‘બૉલીવુડમાં સૌથી વધુ એલિજિબલ સિંગલ મહિલા કોણ છે?’ એના જવાબમાં વરુણે ક્રિતીનું નામ ન લીધું એથી કરણે પૂછ્યું કે ‘ક્રિતીનું નામ ન લેવાનું કારણ શું છે?’ ત્યારે વરુણે કહ્યું, ‘ક્રિતીનું નામ એટલા માટે ન લીધું, કેમ કે ક્રિતીનું નામ પહેલેથી જ કોઈકના દિલમાં સમાયેલું છે. એક વ્યક્તિ છે જે મુંબઈમાં નથી. તે હાલમાં દીપિકા પાદુકોણ સાથે શૂટિંગ કરી રહ્યો છે.’