26 January, 2025 07:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાસ્તવ ફિલ્મનું પોસ્ટર
સંજય દત્તની કરીઅરની કેટલીક ખાસ ફિલ્મોમાં ‘વાસ્તવ’નો સમાવેશ ચોક્કસ કરવો પડે. ૧૯૯૯માં આવેલી આ ફિલ્મમાં સંજયે રઘુનો રોલ ભજવ્યો હતો અને તેની ઍક્ટિંગનાં બહુ વખાણ થયાં હતાં. આ ફિલ્મ અન્ડરવર્લ્ડ ડૉન છોટા રાજન પર આધારિત હોવાની ત્યારે ચર્ચા હતી. આ ફિલ્મમાં સંજયનું કૅરૅક્ટર, વાર્તા અને ડાયલૉગ્સ લોકોને બહુ ગમ્યાં હતાં. ખબર પડી છે કે હવે આ ફિલ્મની સીક્વલ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે અને આ સીક્વલમાં પણ સંજય ફરી પાછો રઘુનું પાત્ર ભજવતો જોવા મળશે.
૧૯૯૯માં આવેલી ‘વાસ્તવ’ને મહેશ માંજરેકરે ડિરેક્ટ કરી હતી અને તેઓ ફરી સંજય દત્ત સાથે મળીને ફિલ્મની સીક્વલ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે મહેશે આ સીક્વલનો આઇડિયા શોધી કાઢ્યો છે અને તેઓ ફિલ્મના સ્ક્રીનપ્લે પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મ વિશે મહેશની સંજય સાથે વાત થઈ ગઈ છે અને સંજય પણ આ ફિલ્મ કરવા ઉત્સાહી છે. રિપોર્ટ પ્રમાણે મેકર્સ આ વર્ષે જ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માગે છે. આ ફિલ્મમાં બે હીરો હશે. સ્ક્રિપ્ટ ફાઇનલ કર્યા પછી બીજા નવા ઍક્ટરને શોધવામાં આવશે જે સંજય સાથે પૅરૅલલ રોલમાં જોવા મળશે.