21 December, 2022 03:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાણી કપૂર
વાણી કપૂર પહેલી વાર અમેરિકામાં ટૂર કરવા જઈ રહી છે. આયુષ્માન ખુરાના સાથેની ‘ચંડીગઢ કરે આશિકી’માં ટ્રાન્સજેન્ડર ગર્લનું પાત્ર ભજવવા માટે તેની ખૂબ જ વાહવાહી થઈ હતી. તે હવે દિનેશ વિજનની ફિલ્મમાં જોવા મળવાની છે. તે પહેલી વાર અમેરિકાનાં ત્રણ શહેરમાં ટૂર કરવા જઈ રહી છે. તે હવે ડલ્લસ, ઍટ્લાન્ટા અને ન્યુ જર્સીમાં પર્ફોર્મ કરવા જઈ રહી છે. ‘શમશેરા’નું ફિતૂર, ‘વૉર’નું ઘૂંઘરું, ‘બેફિકરે’નું નશે સી ચડ ગઈ અને ‘બેલ બૉટમ’ના સખિયાં ગીત પર તે પર્ફોર્મ કરશે. આ વિશે વાણીએ કહ્યું કે ‘એક ઍક્ટર હંમેશાં આવી ટૂર માટે રાહ જોતી હોય છે, કારણ કે મેં મોટા-મોટા સ્ટાર્સને દુનિયાની ઘણી સિટીમાં દર્શકોથી ખચાખચ ભરેલા સ્ટેડિયમમાં પર્ફોર્મ કરતા જોયા છે. દુનિયાભરમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એનાં ગીત અને ડાન્સ માટે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આપણા કલ્ચરનો આપણી ફિલ્મમાં પણ સમાવેશ કરવામાં આવે છે, જેનું ઘણું ફૅન-ફૉલોઇંગ છે. મારા માટે આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે, કારણ કે દર્શકોનો પ્રેમ જ આપણને આગળ વધવા માટે પ્રેરિત કરે છે. હું ખુશનસીબ છું કે મારી પાસે કેટલાંક સુપરહિટ સૉન્ગ્સ છે જેના દ્વારા હું મારું સપનું પૂરું કરવા જઈ રહી છું. મારી પહેલી અમેરિકાની ટૂરમાં હું મારાં પોતાનાં ગીત પર ડાન્સ કરીશ. આ મારા માટે ખૂબ જ મોટી વાત છે અને મને હજી પણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે હું દુનિયાભરના દર્શકોને એન્ટરટેઇન કરવા જઈ રહી છું. મને ખુશી છે કે મારી અમેરિકાની ટૂરમાં હું મારા દેશને રેપ્રિઝેન્ટ કરવા જઈ રહી છું અને લોકો મારા ડાન્સ દ્વારા ખુશ થાય એવી આશા છે.’