22 November, 2024 11:02 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
યોગી આદિત્યનાથ
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગઈ કાલે ફિલ્મ જોઈને નિર્ણય લીધો
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગઈ કાલે ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ને ટૅક્સ-ફ્રી જાહેર કરી હતી. યોગી આદિત્યનાથે ગઈ કાલે ફિલ્મ જોયા પછી આ જાહેરાત કરી હતી. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાને ફિલ્મના હીરો વિક્રાંત મેસી તથા અન્ય કલાકારો સાથે તથા નાયબ મુખ્ય પ્રધાન બ્રજેશ પાઠક સાથે આ ફિલ્મ જોઈ હતી. યોગી આદિત્યનાથે આ ફિલ્મ જનતા સાથે બેસીને જ જોઈ હતી, તેમને માટે કોઈ સ્પેશ્યલ સ્ક્રીનિંગ નહોતું રાખવામાં આવ્યું.
ઉત્તર પ્રદેશ પહેલાં આ ફિલ્મને ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ પણ ટૅક્સ-ફ્રી જાહેર કરી ચૂક્યાં છે. ૨૦૦૨ની ૨૭ ફેબ્રુઆરીએ ગોધરા પાસે સાબરમતી એક્સપ્રેસના S-6 કોચને સળગાવી નાખવામાં આવ્યો એમાં ૫૯ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. એ ઘટનાના સત્યને આ ફિલ્મમાં ઉજાગર કરવામાં આવ્યું છે એવો દાવો એના મેકર્સ દ્વારા કરવામાં આવ્યો છે. આ ફિલ્મ વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ પણ ટિપ્પણી કરી ચૂક્યા છે કે સત્ય અંતે બહાર આવીને જ રહે છે. એને પગલે આ ફિલ્મના કલેક્શનમાં પણ વધારો થતો જાય છે. સામાન્ય રીતે ઓપનિંગ વીક-એન્ડ પછી ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ઢીલી પડતી જાય છે, પણ ‘ધ સાબરમતી રિપોર્ટ’ દિવસે-દિવસે સ્ટ્રૉન્ગ થતી જાય છે.
ધ સાબરમતી રિપોર્ટ
બૉક્સ-ઑફિસ પર
શુક્રવાર ૧.૪૧ કરોડ
શનિવાર ૨.૧૮ કરોડ
રવિવાર ૩.૧૨ કરોડ
સોમવાર ૧.૨૩ કોડ
મંગળવાર ૧.૩૭ કરોડ
બુધવાર ૧.૬૦ કરોડ