02 December, 2024 09:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉર્ફી જાવેદ
ઉર્ફી જાવેદ નામની એક ઍક્ટ્રેસ છે જેને એક સમયે કોઈ જાણતું નહોતું, પણ એ પછી તે મીડિયા સામે ચિત્રવિચિત્ર, આંચકાજનક, આઘાતજનક કપડાંમાં આવવા લાગી; તેના ફોટો સોશ્યલ મીડિયા પર ફરતા થયા અને તે છવાઈ ગઈ. ઉર્ફીને એનો ફાયદો પણ થયો; તેને ‘બિગ બૉસ OTT’માં બોલાવવામાં આવી એટલું જ નહીં, પ્રાઇમ વિડિયો પર તેના જીવન પરથી બનેલી ૯ એપિસોડની સિરીઝ ‘ફૉલો કર લો યાર’ પણ આવી.
શૉક-વૅલ્યુમાં માનતી ઉર્ફીએ હવે વધુ એક આંચકો આપ્યો છે. તેણે તેના હટકે ડ્રેસિસમાંથી એક વેચવા કાઢ્યો છે અને એની કિંમત ૩ કરોડ ૬૬ લાખ ૯૯ હજાર રૂપિયા રાખી છે, જેને લીધે તે ફરી સોશ્યલ મીડિયા પર ગાજી ઊઠી છે.
ઉર્ફીના આ બ્લૅક ડ્રેસ પર પતંગિયાં અને પાંદડાંની ડિઝાઇન જોવા મળે છે. ઉર્ફીનો આ ડ્રેસ ખૂબ વખણાયેલો છે. ઇન્સ્ટાગ્રામ પર પોતાનો આ બટરફ્લાય ડ્રેસ વેચવો છે એવી જાહેરાત કરીને ઉર્ફીએ એની કિંમતની પાછળ Only લખીને લોકોને બેઠા કરી દીધા છે.
વાત ઉર્ફીની છે એટલે તેની આ ઑફરની સોશ્યલ મીડિયા પર જબરી મસ્તી કરવામાં આવી રહી છે. એક જણે લખ્યું કે મારી પાસે ૫૦ રૂપિયા ઓછા પડ્યા, નહીંતર મેં આ ડ્રેસ લઈ લીધો હોત. કોઈકે પૂછ્યું કે ‘EMI પર આ ડ્રેસ મળશે? વ્યાજ હું મોતીચૂરના લાડુરૂપે આપીશ.’ એક જણે તો લખ્યું કે આટલા રૂપિયામાં ત્રણ BHKનો એક ફ્લૅટ ન લઈ લઉં.