12 July, 2024 09:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા અને રામચરણ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા અનંત અંબાણીનાં લગ્ન આજે બિઝનેસમૅન વીરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ સાથે થઈ રહ્યાં છે. તેમનાં લગ્નમાં સામેલ થવા માટે દેશ-વિદેશની સેલિબ્રિટીઝ મુંબઈ પહોંચી ગઈ છે. ૧૩ જુલાઈએ ‘શુભ આશીર્વાદ’ અને ૧૪ જુલાઈએ ‘મંગળ ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. તેમનાં લગ્નનાં વિવિધ ફંક્શન્સ ઘણા વખતથી ચાલી રહ્યાં છે અને એમાં પણ અનેક હસ્તીઓએ હાજરી પુરાવી હતી. હવે આ ભવ્ય લગ્નમાં હાજરી આપવા પ્રિયંકા ચોપડા જોનસ હસબન્ડ નિક જોનસ સાથે મુંબઈ પહોંચી ગઈ છે તો બીજી તરફ સાઉથનો રામ ચરણ પણ તેની વાઇફ ઉપાસના સાથે મુંબઈ આવી ગયો છે.
કૅન્સરને લઈને છલકાયું હિનાનું દર્દ
હિના ખાનને ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ-કૅન્સર છે અને એની તે સારવાર લઈ રહી છે. હિના પોતાની સારવારની જર્નીને સોશ્યલ મીડિયામાં શૅર કરી રહી છે. કીમોથેરપીને કારણે તેને ગળા અને અન્ડર આર્મ્સ પાસે કાળા ડાઘ પડી ગયા છે. કૅન્સરનું દર્દ અસહ્ય હોય છે એ તેની પોસ્ટમાં દેખાઈ આવે છે. ઇન્સ્ટાસ્ટોરી પર હિનાએ લખ્યું કે ‘તમારું દર્દ કોઈ દૂર ન કરી શકે, પરંતુ ઉપરવાળો કરી શકે છે. પ્લીઝ અલ્લાહ પ્લીઝ.’
મમ્મી અને બહેન સાથે કાશી પહોંચ્યો અભિષેક
અભિષેક બચ્ચન મમ્મી જયા બચ્ચન અને બહેન શ્વેતા બચ્ચન નંદા સાથે વારાણસી પહોંચ્યો છે. ત્યાં તેમણે કાશી વિશ્વનાથનાં દર્શન કર્યાં છે. એ દરમ્યાન જયા બચ્ચન મંદિરના કર્મચારીઓ સાથે વાતચીત કરતાં પણ જોવા મળ્યાં હતાં. સાથે જ અભિષેકની વાઇફ ઐશ્વર્યા રાય બચ્ચન અને દીકરી આરાધ્યા બચ્ચનની ગેરહાજરી તેમના સંબંધોને લઈને ફરી એક વખત સવાલ ઊભા કરે છે.
લગ્નમાં સોનાક્ષીએ રેખાને આવું કહ્યું હતું... રોના મત
સોનાક્ષી સિંહાએ ૨૩ જૂને ઝહીર ઇકબાલ સાથે રજિસ્ટર્ડ મૅરેજ કરી લીધાં હતાં. લગ્ન બાદ મુંબઈની ફાઇવ સ્ટાર હોટેલમાં રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. એમાં બૉલીવુડની અનેક સેલિબ્રિટીએ ભાગ લીધો હતો. સાથે જ સૌએ સવાર સુધી ડાન્સ પણ કર્યો હતો. એનો વિડિયો સોનાક્ષીએ શૅર કર્યો છે. એમાં સોનાક્ષી અને સલમાન ખાન એકમેકને ભેટે છે તો સાથે જ અનિલ કપૂર સાથે ‘માય નેમ ઇઝ લખન’ ગીત પર પણ તે ડાન્સ કરે છે. સિંગર યો યો હની સિંહ પણ ગીત ગાતો દેખાય છે. સોનાક્ષી એ જ વિડિયોમાં રેખાને કહી રહી છે કે રોના મત.