01 August, 2024 11:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનુ નિગમ
સોનુ નિગમે મુંબઈમાં આવેલી તેની કમર્શિયલ પ્રૉપર્ટી ૭ કરોડ રૂપિયામાં વેચી છે. આ પ્રૉપર્ટી અંધેરી વેસ્ટમાં ૨૧૩૧ સ્ક્વેર ફીટમાં પથરાયેલી છે જેના એક સ્ક્વેર ફીટની કિંમત ૩૨,૮૪૮ રૂપિયા છે. એ પ્રૉપર્ટીમાં બે કાર-પાર્કિંગ સ્લૉટ છે. ૨૮ જૂને એને રજિસ્ટર કરવામાં આવી હતી. ગયા વર્ષે સોનુ નિગમે અંધેરીમાં ૧૧.૩૭ કરોડ રૂપિયામાં બે કમર્શિયલ પ્રૉપર્ટી ખરીદી હતી, જેનો વિસ્તાર ૫૫૪૭ સ્ક્વેર ફીટનો છે. આ વર્ષની શરૂઆતમાં સોનુ નિગમના પિતા અગમ કુમાર નિગમે વર્સોવામાં ૧૨ કરોડ રૂપિયામાં એક મકાન ખરીદ્યું હતું.
ચિરંજીવીનો એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં તે ઍરપોર્ટ પર સ્ટાફને ધક્કો મારતા દેખાય છે અને એ જોઈને લોકોએ સોશ્યલ મીડિયામાં તેની નિંદા કરવાનું શરૂ કર્યું હતું. એ વિડિયોમાં દેખાય છે કે તે જ્યારે તેની વાઇફ સુરેખા સાથે લિફ્ટમાંથી બહાર આવે છે ત્યારે ઇન્ડિગો ઍરલાઇનનો એક કર્મચારી સેલ્ફી લેવા માટે તેની નજીક આવે છે. તે જેવો નજીક આવીને મોબાઇલથી સેલ્ફી લેવાનો પ્રયાસ કરે છે તો ચિરંજીવી તેને ધક્કો મારે છે. તેના આવા વર્તનને જોઈને લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. તો કેટલાકે ચિરંજીવીનો પક્ષ પણ લીધો છે. થોડા સમય પહેલાં નાગાર્જુનના બૉડીગાર્ડે પણ એક દિવ્યાંગને ધક્કો માર્યો હતો, જે તેની નજીક સેલ્ફી લેવા માટે જતો હતો. બાદમાં તેમણે તે વ્યક્તિની માફી પણ માગી લીધી હતી.
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢી અને મિસિસ રોશનનો રોલ કરનાર ગુરુચરણ સિંહ અને જેનિફર મિસ્ત્રી બંસીવાલની મુલાકાત થઈ હતી. ગુરુચરણ સિંહે એક વિડિયો-ક્લિપ શૅર કરી છે, એમાં તે જેનિફરને સરપ્રાઇઝ આપે છે. ગુરુચરણને પોતાની સામે જોઈને જેનિફર પણ ચોંકી જાય છે અને બન્ને હસવા માંડે છે. એ વિડિયો-ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ગુરુચરણ સિંહ અને જેનિફરે કૅપ્શન આપી, જબ વી મેટ અગેઇન.