ટોટલ ટાઇમપાસ: રાધિકાની મરાઠીથી ઇમ્પ્રેસ અક્ષયકુમાર

10 July, 2024 09:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટોટલ ટાઇમપાસ: ન્યુ યૉર્કમાં શૂઝનું શૉપિંગ કરી રહ્યો છે શાહરુખ; લંડનના ઇસ્કૉન ટેમ્પલમાં વિરાટ કોહલી સાથે અનુષ્કા અને વધુ સમાચાર

અક્ષયકુમાર અને રાધિકા મદન

રાધિકા મદનની મરાઠીથી અક્ષયકુમાર ખૂબ જ ઇમ્પ્રેસ છે. તેમણે ‘સરફિરા’માં સાથે કામ કર્યું છે જે આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ સાઉથના સુપરસ્ટાર સૂરિયાની ‘સૂરારાઈ પોટ્રુ’ની હિન્દી રીમેક છે. આ ફિલ્મમાં રાધિકાએ મહારાષ્ટ્રિયન છોકરી રાનીનું પાત્ર ભજવ્યું છે. તેના પર્ફોર્મન્સ વિશે અક્ષયકુમાર કહે છે, ‘મેં અત્યાર સુધી જોયેલો તેનો આ બેસ્ટ પર્ફોર્મન્સ છે. મને નથી ખબર કે લોકો રાધિકા વિશે શું વિચારે છે. તે મહારાષ્ટ્રિયન નથી પરંતુ તેણે એવું પર્ફોર્મ કર્યું છે કે તે પાક્કી મરાઠી છોકરી લાગે છે. તેની બોલી પણ ખૂબ જ સારી હતી. મરાઠી કેવી રીતે બોલવું એ માટે તેણે સ્પેશ્યલ ક્લાસિસ પણ લીધા હતા.’

ન્યુ યૉર્કમાં શૂઝનું શૉપિંગ કરી રહ્યો છે શાહરુખ

શાહરુખ ખાન હાલમાં ન્યુ યૉર્કમાં તેની દીકરી સુહાના ખાન સાથે શૉપિંગ કરતો જોવા મળ્યો હતો. તેના ઘણા વિડિયો અને ફોટો વાઇરલ થયા છે. આ શૉપિંગ દરમ્યાન શાહરુખ શૂઝ પણ ખરીદતો જોવા મળ્યો હતો. તે તેની ફૅમિલી સાથે સમય પસાર કરી રહ્યો છે. થોડા સમય પહેલાં તેઓ લંડનમાં હતાં જ્યાં શાહરુખ તેની ફૅમિલી સાથે ક્રિકેટ રમતો પણ જોવા મળ્યો હતો. લંડન બાદ તેઓ ન્યુ યૉર્ક ગયાં છે. અનંત અંબાણીનાં લગ્નમાં હાજરી આપવા માટે તે બહુ જલદી મુંબઈ આવશે એવી પણ ચર્ચા છે.

લંડનના ઇસ્કૉન ટેમ્પલમાં વિરાટ કોહલી સાથે અનુષ્કા

અનુષ્કા શર્માનો પતિ વિરાટ કોહલી સાથેનો એક વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયોમાં તેઓ લંડનના ઇસ્કૉન ટેમ્પલની મુલાકાત દરમ્યાન કીર્તનમાં પણ બેઠેલાં જોવા મળ્યાં છે. આ વિડિયો જૂનો હોવાનું પણ ઘણા લોકો કહી રહ્યા છે. ઓડિશામાં હાલમાં ભગવાન જગન્નાથની યાત્રા ચાલી રહી છે ત્યારે અનુષ્કા તેના પતિ સાથે લંડનમાં કૃષ્ણ ભગવાનનાં દર્શન કરી રહી છે. સોશ્યલ મીડિયા પર તેમની ખૂબ જ વાહવાહી થઈ રહી છે, કારણ કે મોટા ભાગની સેલિબ્રિટીઝ અનંત અંબાણીનાં લગ્નમાં વ્યસ્ત છે ત્યારે તેઓ ભગવાનનાં દર્શન કરી રહ્યાં છે.

વિમ્બલ્ડનની ક્વૉર્ટર ફાઇનલ જોવા પહોંચ્યાં સિદ્ધાર્થ-કિયારા

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હાલમાં લંડનમાં વિમ્બલ્ડનની ક્વૉર્ટર ફાઇનલ જોવા ગયાં હતાં. સ્ટાઇલિશ આઉટફિટમાં તેઓ અન્ય સેલિબ્રિટીઝ સાથે મૅચ શરૂ થાય એ પહેલાં વાતચીત કરતાં પણ જોવા મળ્યાં હતાં. ટેનિસની ટુર્નામેન્ટ વિમ્બલ્ડનના નવમા દિવસે વરસાદની આગાહી હોવાથી સિદ્ધાર્થ છત્રી સાથે જોવા મળ્યો હતો.

entertainment news bollywood bollywood news virat kohli anushka sharma virat anushka wimbledon kiara advani sidharth malhotra Shah Rukh Khan radhika madan akshay kumar