17 April, 2023 04:28 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અભિનેતા અનિલ કપૂર
દિવંગત દિગ્ગજ અભિનેતા-દિગ્દર્શક સતીશ કૌશિક(Satish Kaishik Birth Anniversary))ની 67મી જન્મજયંતિ નિમિત્તે મુંબઈ(Mumbai)માં ગુરુવારે એક મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં તેના નજીકના મિત્રોએ હસતા, નાચતા અને ગાતા અભિનેતાને યાદ કર્યા હતા. આ કાર્યક્રમનું આયોજન અનુપમ ખેર(Anupam Kher)એ કર્યું હતું, જેઓ સતીશ કૌશિકના નજીકના મિત્ર છે. કાર્યક્રમમાં અનુપમ ખેર, જાવેદ અખ્તર, અનિલ કપૂર, રાની મુખર્જી, નીના ગુપ્તા, જોની લીવર, ઉદિત નારાયણ, અરમાન મલિક, સુભાષ ઘાઈ, શંકર મહાદેવન, વિવેક અગ્નિહોત્રી, પલ્લવી જોશી, દર્શન કુમાર, સોનાલી બેન્દ્ર, અનૂપ સોની, રાકેશ બેદી સહિત અનેક કલાકાર હાજર રહ્યાં હતા.
સતીશ કૌશિકની જન્મજયંતિની ઉજવણી
સતીશ કૌશિકને યાદ કરવા અને તેમના જીવનની ઉજવણી કરવા આવેલા લોકોએ દિવંગત અભિનેતાને ભાવનાત્મક રીતે યાદ કર્યા, તેમજ મોટાભાગના લોકોએ અનેક રમુજી કિસ્સા શેર કર્યા તો કોઈએ તેમની યાદીમાં ગીત ગાયા, કોઈએ સંસ્મરણોને યાદ કરી મજાના દિવસોની સફર કરાવી તો કોઈએ આંખ ભીંજાવી, કોઈ સતીશ કૌશિકની યાદ રડ્યું તો કોઈ ઝૂમ્યું. આમ, કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ હસ્તીઓએ સતીશ કૌશિકની જન્મજયંતિને યાદગાર બનાવવા પ્રયાસ કર્યો હતો.
આ કાર્યક્રમને અનુપમ ખેર હોસ્ટ કરી રહ્યાં હતાં. પ્રોગ્રામ દરમિયાન વચ્ચે વચ્ચે તેઓ તેમની મિત્રતાના કિસ્સા શેર કરતા ગયા અને પોતાની તથા બધાની આંખો પણ ભીંજાવતા ગયા. સતીશ કૌશિકના જન્મદિવસે ગીત-સંગીતની ધૂમ મચી હતી પરંતુ મિત્ર અનિલ કપૂર અને અનુપમ ખેરના આંખમાં સતીશ કૌશિકનો ખાલીપો દેખાય રહ્યો હતો. અનુપમ ખેરે જ્યારે અનિલ કપૂરને સ્ટેજ પર આવવા આમંત્રણ આપ્યું તો તે ખુબ જ ભાવુક થઈ ગયા હતાં. આટલું જ નહીં સ્ટેજ પર જતાં જતાં તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. જોકે, અનિલ કપૂરે આ દિવસને યાદગાર બનાવવા માટે કોઈ કસર છોડી નહોતી.
આ પણ વાંચો: શા માટે રડી પડ્યા અનિલ કપૂર?
હા, સમજી શકાય કે આવા ખાસ દિવસે મિત્રની યાદ ચોક્કસ આવે. પરંતુ સતીશ કૌશિકની જન્મ જયંતિને ખાસ અને યાદગાર બનાવવામાં અનિલ કપૂરે ઓછું આંક્યુ નહોતું. જ્યારે સતીશ કૌશિકની યાદમાં સ્ટેજ પર `મિસ્ટર ઈન્ડિયા`નું ગીત `હવા હવાઈ` ગવાઈ રહ્યું હતું, ત્યારે અનિલ કપૂર સ્ટેજ પર ચડી ગયા હતા અને આ ગીત પર ડાન્સ કરવા લાગ્યા હતાં. અનિલ કપૂરે આમ ભાવુક વાતાવરણને મોજમાં ફેરવી દીધું હતું.
આ પણ વાંચો:સતીશ કૌશિકની દિકરીનો પત્ર...`ફિલ્મોની જેમ ચમત્કાર થાય અને તમે જીવતા થાવ પપ્પા!`
સતીશ કૌશિકને યાદ કરીને અનિલ કપૂરે એક કિસ્સો સંભળાવ્યો
આ અવસર પર અનિલ કપૂરે કહ્યું કે તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં તેને ઈન્ડસ્ટ્રીમાં બે લોકોથી ખૂબ જ ઈર્ષ્યા થતી હતી, જેમાંથી એક જેકી શ્રોફ અને બીજા સતીશ કૌશિક હતા. પોતાની ઈર્ષ્યાનું કારણ જણાવતા અનિલ કપૂરે કહ્યું કે બધી છોકરીઓ તેની અવગણના કરતી હતી અને જેકી શ્રોફ અને સતીશ કૌશિક સાથે વાત કરતી હતી જેના કારણે તે ખૂબ ઈર્ષ્યા કરતા હતા. સતીશ કૌશિકને યાદ કરતાં અનિલ કપૂરે કહ્યું, "સતીશ કૌશિકમાં અલગ પ્રકારની સેન્સ ઑફ હ્યુમર હતી જે છોકરીઓને ખૂબ ગમતી હતી." અનિલ કપૂરે વધુમાં કહ્યું કે, હવે હું અનુપમ ખેરની ટીકા કરવા કોની પાસે જઈશ?
આ ઈવેન્ટમાં જોની લીવરે પોતાની ફની સ્ટાઇલમાં જોક્સ સંભળાવ્યા હતા અને સ્ટેજ પર કોમેડી કરી હતી. જોની લિવરે સ્ટેજ પર ફની રજૂઆત વખતે સતીશ કૌશિકને યાદ કર્યા અને કહ્યું કે તેણે પોતે સતીશ કૌશિક પાસેથી અભિનય શીખ્યો હતો.