12 January, 2025 09:06 AM IST | Mumbai | Rashmin Shah
શુક્રવારે ‘Mom તને નહીં સમજાય’ના પ્રીમિયરમાં ફિલ્મની હિરોઇન રશ્મિ દેસાઈ સાથે ટીકુ તલસાણિયા. જે ઉત્સાહ અને મજાક-મસ્તી સાથે તેઓ બધાને મળતા હતા એ જોઈને કોઈ માની ન શકે કે તેમના બ્રેઇનમાં ઊભા થયેલા ક્લૉટને કારણે એક વેઇન ફાટવાની તૈયારી શરૂ થઈ છે.
શુક્રવારે રાતે અંદાજે સાડાઆઠ વાગ્યે બ્રેઇન-સ્ટ્રોક આવતાં વિખ્યાત ઍક્ટર ટીકુ તલસાણિયાને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં ઍડ્મિટ કરવામાં આવ્યા છે. સમયસર હૉસ્પિટલાઇઝેશન થઈ જતાં હવે તેઓ સેફ છે, પણ તેમને ICUમાં જ ત્રણ દિવસ ઑબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. શુક્રવારે અંધેરીના ઇન્ફિનિટી મૉલમાં PVR આઇનૉક્સ મલ્ટિપ્લેક્સમાં રાખવામાં આવેલા ગુજરાતી ફિલ્મ ‘Mom તને નહીં સમજાય’ના પ્રીમિયરમાં ટીકુભાઈ અને તેમનાં વાઇફ દીપ્તિ તલસાણિયા ગયાં હતાં. ત્યાં તેઓ બધાને હોંશભેર મળ્યા અને એ જ વખતે અચાનક તેમને ઊલટી થઈ અને તેઓ બેહોશ થઈ ગયા. ટીકુભાઈ માટે તાત્કાલિક વ્હીલચૅર મગાવી અને તેમને નજીકની કોકિલાબેન અંબાણી હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા. ત્યાં ખબર પડી કે તેમને બ્રેઇન-સ્ટ્રોક આવ્યો છે. પ્રાથમિક તપાસમાં ડૉક્ટરોએ નિદાન કર્યું હતું કે ક્લૉટને કારણે બ્રેઇનની એક વેઇન ફાટી જતાં સ્ટ્રોક આવ્યો છે. તેમની બૉડીમાં આ પ્રોસેસ ઘણા સમયથી ચાલતી હોવાની શક્યતા પણ ડૉક્ટરોએ વ્યક્ત કરી છે.
શરૂઆતના સમયમાં એવી વાતો ફેલાઈ હતી કે ૭૦ વર્ષના ટીકુભાઈને હાર્ટ-અટૅક આવ્યો છે, પણ ત્યાં હાજર સૌકોઈને પહેલી નજરમાં જ ખબર પડી ગઈ હતી કે તેમને બ્રેઇન-સ્ટ્રોક આવ્યો છે. જૉલી-માઇન્ડેડ અને દરેક ટેન્શનને હળવાશથી જોનારા ટીકુભાઈ નિયમિતપણે પ્રાણાયામ પણ કરે છે. છેલ્લાં પાંચેક વર્ષથી તેમણે કામ પણ સિલેક્ટિવ કરી નાખ્યું હતું અને લાઇફને રિટાયરમેન્ટ મૂડ સાથે જોવા માંડ્યા હતા. છેલ્લે તેમણે ડિરેક્ટર ધર્મેશ મહેતાની ફિલ્મ ‘ઓમ સ્વીટ હોમ’ કરી જે એપ્રિલમાં રિલીઝ થવાની છે. ધર્મેશ મહેતાએ કહ્યું હતું કે ‘રાતે જ મેં દીપ્તિભાભી સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે હવે તેઓ સેફ છે, પણ તેમને ત્રણેક દિવસ ICUમાં અન્ડર ઑબ્ઝર્વેશન રાખવામાં આવશે.’
ટીકુભાઈની દીકરી શિખા ઍક્ટ્રેસ છે અને દીકરો રોહન મ્યુઝિક-કમ્પોઝર છે.