05 March, 2023 01:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિદ્ધાર્થ આનંદ
સિદ્ધાર્થ આનંદને ખુશી છે કે ‘પઠાન’ ભારતની નંબર વન હિન્દી ફિલ્મ બની છે. આ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર જંગી બિઝનેસ કર્યો છે. ફક્ત હિન્દી ભાષામાં એનો બિઝનેસ ‘બાહુબલી 2’ કરતાં આગળ નીકળી ગયો છે. આ ફિલ્મે ગયા શુક્રવારે ૧.૦૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ બિઝનેસ સાથે એનો ટોટલ બિઝનેસ ૫૧૧.૭૦ કરોડ રૂપિયા થયો છે. દરેક ભાષાના બિઝનેસ સાથે આ ફિલ્મે શુક્રવાર સુધી ૫૨૯.૯૬ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જૉન એબ્રાહમની આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી હતી અને યશરાજ ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી હતી. આ વિશે સિદ્ધાર્થ આનંદે કહ્યું કે ‘એ જાણીને ખૂબ ખુશી થઈ રહી છે કે ‘પઠાન’ આજે ભારતમાં નંબર વન હિન્દી ફિલ્મ બની છે. ‘પઠાન’ને દર્શકોનો જે પ્રેમ મળ્યો છે એ ઐતિહાસિક છે અને એ બૉક્સ-ઑફિસ રિઝલ્ટ પર જોઈ શકાય છે. એક ડિરેક્ટર તરીકે મને મારા પર ગર્વ છે કે મેં એક એવી ફિલ્મ બનાવી છે જેને દુનિયાભરના લોકોએ પસંદ કરી છે. છેલ્લાં થોડાં વર્ષમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ઘણું સહન કર્યું છે. અમારો લોકોએ બૉયકૉટ કર્યો છે એવું પણ કહેવામાં આવ્યું હતું. અમને કહેવામાં આવી રહ્યું હતું કે તમે હવે દર્શકોને પસંદ આવે એવી ફિલ્મ બનાવવાનું ભૂલી ચૂક્યા છો. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ઘણું સાંભળ્યું છે અને અમને ખુશી છે કે ‘પઠાન’એ દરેકનો જવાબ આપ્યો છે. આનાથી જાણી શકાય કે આપણે ફક્ત સારી ફિલ્મ બનાવવાની જરૂર છે અને દર્શકો એને જોવા જરૂર આવશે. ‘પઠાન’ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મારું હોમેજ છે જેણે મને પ્રેમ કરતાં, કાળજી રાખતાં અને દરેક પરિસ્થિતિમાંથી કેવી રીતે પસાર થવું એ શીખવ્યું છે.’
511.70
‘પઠાન’ ફિલ્મે હિન્દી ભાષામાં શુક્રવાર સુધી આટલા કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો.