11 December, 2024 10:29 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન ઇવેન્ટમાં પર્ફોર્મ કરતો સોનુ નિગમ
સોનુ નિગમ રાજકારણીઓ પર ભડક્યો છે. તેણે નેતાઓને કહ્યું છે કે તમારે કોઈ કલાકારના કાર્યક્રમની વચ્ચેથી જ જતું રહેવું હોય તો એ કાર્યક્રમમાં આવવું જ નહીં. સોનું કહે છે કે આમ કરીને તમે કલાકારનું અને મા સરસ્વતીનું અપમાન કરો છો.
વાત રાજસ્થાનની છે જ્યાં સોનુએ ‘રાઇઝિંગ રાજસ્થાન’ નામની સરકારી ઇવેન્ટમાં પર્ફોર્મ કર્યું હતું. એ ઇવેન્ટમાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા તથા તેમના અન્ય મિનિસ્ટરો ઉપસ્થિત હતા તથા વિશ્વભરના ડેલિગેટ્સ હતા.
મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા સોનુના કાર્યક્રમની વચ્ચેથી ઊભા થઈને નીકળી ગયા હતા અને તેમની સાથે તેમના મિનિસ્ટરો તથા ડેલિગેટ્સ પણ ઊભા થઈ ગયા હતા.
સોનુ નિગમે આ સંદર્ભે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો પોસ્ટ કરીને નારાજગી વ્યક્ત કરી છે. તેણે કહ્યું છે, ‘મારી તમને બધાને એક વિનંતી છે. તમારે વચ્ચેથી જતા જ રહેવું હોય તો આવો જ નહીં. અથવા કાર્યક્રમ શરૂ થાય એ પહેલાં જતા રહો. કલાકારના પર્ફોર્મન્સની વચ્ચે તમે જાઓ એ અનાદર છે, સરસ્વતીનું આ અપમાન છે.’
સોનુએ ત્યાર બાદ રાજકારણીઓને ટોણો મારતાં કહ્યું છે કે ‘તમને ઘણું કામ હોય છે, તમારે ઘણી જવાબદારીઓ સંભાળવાની હોય. કોઈ શોમાં તમારે ટાઇમ વેસ્ટ ન કરવો જોઈએ.’