18 November, 2024 09:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મનું પોસ્ટર
૨૦૦૨ની ૨૭ ફેબ્રુઆરીએ ગોધરા પાસે સાબરમતી એક્સપ્રેસના S-6 ડબ્બાને સળગાવી દેવામાં આવ્યો હતો જેમાં ૫૯ નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના પર શુક્રવારે ‘ધ સાબરમતી રિપોર્ટ’ નામની ફિલ્મ રિલીઝ થઈ છે જેમાં ‘12th ફેલ’નો હીરો વિક્રાંત મૅસી મુખ્ય ભૂમિકામાં છે. વિક્રાંત ‘ધ સાબરમતી રિપોર્ટ’માં એવા એક પત્રકારની ભૂમિકામાં છે જેણે S-6ને આગ લગાડવાની ઘટના પાછળના સત્યની તલાશ આદરી છે.
સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ જે અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું હતું એના પર ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ વિશેનાં પોતાનાં નિરીક્ષણો લખ્યાં છે, જેના પર ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે અને એને પગલે આ ફિલ્મ જબરી ચગી ગઈ છે.
ઍક્સ પર આલોક ભટ્ટ નામની વ્યક્તિએ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ શા માટે જોવી જ જોઈએ એનાં ૪ કારણો લખ્યાં છે. આ ચાર કારણો વાંચીને એના પર નરેન્દ્ર મોદીએ કમેન્ટ કરતાં લખ્યું, ‘વેલ સેઇડ. એ સારી વાત છે કે આ સત્ય બહાર આવી રહ્યું છે અને એ પણ એ રીતે જેથી સામાન્ય માણસ એ જોઈ શકે. ખોટી કથા મર્યાદિત સમય માટે જ ટકી શકે છે. અંતે તો સત્ય હંમેશાં બહાર આવીને જ રહે છે.’
શુક્ર-શનિમાં બૉક્સ-ઑફિસ પર કેવી રહી આ ફિલ્મ?
‘ધ સાબરમતી રિપોર્ટ’એ બૉક્સ-ઑફિસ પર પહેલા દિવસે ૧.૪૧ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું, જેમાં શનિવારે ૫૪.૬૧ ટકાનો વધારો નોંધાયો હતો અને કલેક્શન ૨.૧૮ કરોડ રૂપિયોનું થયું હતું. રવિવારના આંકડા આજે સવારે આવશે.
આલોક ભટ્ટે શું લખ્યું પોતાની પોસ્ટમાં?
સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર આલોક ભટ્ટ નામની વ્યક્તિએ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ શા માટે જોવી જ જોઈએ એનાં ૪ કારણો લખ્યાં છે...
૧.આ પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય છે, કારણ કે એ ભારતના તાજેતરના ઇતિહાસની એક અત્યંત શરમજનક ઘટના પાછળનું મહત્ત્વનું સત્ય ઉજાગર કરે છે.
૨.આ ફિલ્મના સર્જકોએ આ મુદ્દાને ખૂબ જ સંવેદનશીલતા અને ગરિમાથી હૅન્ડલ કર્યો છે.
૩.સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે આપણે સૌએ એ આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે કે કઈ રીતે સાબરમતી એક્સપ્રેસના પૅસેન્જરોને જીવતા બાળી નાખવાની ઘટનાને કેટલાક લોકોએ કઈ રીતે રાજકીય રંગ આપી દીધો - ફક્ત એક નેતાની છબિ ખરડવા માટે. તેઓ પોતાના તુચ્છ એજન્ડાને સંતોષવા એક પછી એક જુઠ્ઠાણું ચલાવતા ગયા.
૪.આખરે ૫૯ નિર્દોષ વ્યક્તિઓને પોતાના માટે બોલવા મળ્યું. હા, કહેવાય છેને કે સત્યનો જ હંમેશાં વિજય થાય છે. આ ફિલ્મ એ ૫૯ નિર્દોષ પુરુષો, મહિલાઓ અને બાળકોને યોગ્ય અંજલિ છે.