06 July, 2024 12:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સમન્થા રૂથ પ્રભુ
સમન્થા રૂથ પ્રભુ સોશ્યલ મીડિયામાં હંમેશાં સ્વાસ્થ્ય સંબંધી સજાગતા ફેલાવે છે. તે પોતે માયોસાઇટિસથી પીડાય છે. એની સારવાર તે લઈ રહી છે. તાજેતરમાં તેને વાઇરલ ઇન્ફેક્શન થયું હતું. એના માટે તેણે નેબ્યુલાઇઝરમાં હાઇડ્રોજન પૅરોક્સાઇડ લેવાની સલાહ આપી હતી. એને જોતાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર ધ લિવર ડૉક નામનું અકાઉન્ટ ધરાવતી એક વ્યક્તિએ તેનો ઊધડો લીધો હતો. તેણે લખ્યું કે સમન્થાને હેલ્થ અને સાયન્સનું જ્ઞાન નથી અને પોતાના ફૉલોઅર્સને વાઇરલ ઇન્ફેક્શન માટે હાઇડ્રોજન પૅરોક્સાઇડ લેવાની સલાહ આપે છે. આ મહિલાને દંડ કરવો જોઈએ અને તેને જેલના સળિયા પાછળ ધકેલવી જોઈએ.
તે વ્યક્તિની આવી પોસ્ટ પર પ્રહાર કરતાં ઇન્સ્ટાગ્રામ પર સમન્થાએ લખ્યું કે ‘છેલ્લાં થોડાં વર્ષોથી મેં અનેક અલગ-અલગ પ્રકારની દવાઓ લીધી છે. મને જે પણ સલાહ આપવામાં આવી એ બધી મેં અપનાવી છે. આપણે બધા માર્ગદર્શન માટે ડૉક્ટર્સ પર ભરોસો કરીએ છીએ. એવામાં એક જેન્ટલમૅને મારી પોસ્ટ અને મારા ઇરાદાની નિંદા કરી છે. એ વ્યક્તિ ડૉક્ટર છે. એમાં કોઈ શંકા નથી કે તેને મારા કરતાં વધુ માહિતી હશે. જોકે તેણે મારા માટે જે શબ્દોનો ઉપયોગ કર્યો છે એમાં મર્યાદા જાળવી હોત તો સારું હોત. ખાસ કરીને તેણે મને જેલમાં નાખવાની સલાહ આપી હતી. કોઈ વાંધો નહીં. સેલિબ્રિટી હોવાને કારણે આવું થાય છે. મારી મન્શા લોકોને મદદ કરવાની હતી. આમાંથી મને પૈસા નથી મળવાના. મેં તો માત્ર અજમાવેલી સારવારનો અનુભવ શૅર કર્યો હતો.’