16 August, 2022 05:59 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિદ્યા બાલન (ફાઈલ તસવીર)
બૉલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલનનું નામ એ અભિનેત્રીઓ સાથે લેવામાં આવે છે જે મોટા ભાગે ક્લાસિક ફિલ્મો માટે જાણીતી છે. જો કે, છેલ્લા ઘણાં વખતથી અભિનેત્રીની કોઇપણ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ નથી. થોડોક સમય પહેલા જ ફિલ્મ જલસા દ્વારા તે ઓટીટી પર જોવા મળી હતી. દર્શકોને આ ફિલ્મ કંઈ ખાસ પસંદ આવી નહોતી, પણ વિદ્યા બાલનના કામના વખાણ તો થયા જ હતા. આ સિવાય વર્ષ 2011માં રિલીઝ થયેલી વિદ્યા બાલન, નસીરૂદ્દીન શાહ અને ઈમરાન હાશમીની ફિલ્મ `ધ ડર્ટી પિક્ચર` પોતાના સમયની બહેતરીન ફિલ્મોમાંની એક હતી. આકરા વિરોધ બાદ રિલીઝ થયેલી ફિલ્મને મોટા પડદે સારો રિસ્પૉન્સ મળ્યો હતો.
હવે લગભગ એક દાયકા બાદ આની સીક્વલને લઈને ચર્ચાઓ વધી છે. મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે ધ ડર્ટી પિક્ચરની સીક્વલ પર કામ શરૂ થઈ ગયું છે, જો કે, હજી ફિલ્મ માટે વિદ્યા બાલનને અપ્રૉચ કરવામાં નથી આવી. જો કે, હજી ફિલ્મને લઈને ઑફિશિયલ જાહેરાત કે પુષ્ઠિ પણ નથી કરવામાં આવી, પણ એવા સમાચાર છે કે આ ફિલ્મ સિલ્ક સ્મિતાના યુવાનીના દિવસો પર આધારિત હોઈ શકે છે. ધ ડર્ટી પિક્ચરની સીક્વલની સ્ક્રિપ્ટ પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
ધ ડર્ટી પિક્ચરની સ્ટોરી જાણીતી અભિનેત્રી સિલ્ક સ્મિતાના જીવન પર આધારિત છે. જેમાં બતાવવામાં આવ્યું હતું કે કેવી રીતે એક ગામડાની છોકરી હિરોઈન બનવાના સપના સાથે ભાગીને ચેન્નઈ પહોંચે છે અને આગળ જતાં ફિલ્મ જગતમાં સિલ્ક બનીને ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર રાજ કરે છે. જો કે, કહેવામાં આવે છે કે આ ફિલ્મના સીક્વલની સ્ટોરી જૂદી પણ હોઈ શકે છે. મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે આ ફિલ્મમાં વિદ્યા બાલનની જગ્યાએ કૃતિ સેનન કાં તો તાપસી પન્નૂનો પણ અપ્રોચ કરવામાં આવી શકે છે.
જણાવવાનું કે એકતા કપૂર ઘણાં સયમથી આ ફિલ્મની સીક્વલની પ્લાનિંગ કરી રહી છે. આ વર્ષના અંત સુધીમાં આ પૂરું કરવાની આશા પણ છે. આ ફિલ્મને લઈને બાલાજી મોશન પિક્ચર્સ અને એકતા કપૂર ખૂબ જ ઉત્સાહિત છે. 2023ના પહેલા ત્રૈમાસિકમાં આ ફિલ્મ રિલીઝ કરવાની પણ યોજના છે.