14 October, 2023 02:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન
સલમાન ખાને જણાવ્યું છે કે તેની આગામી ફિલ્મ ‘ટાઇગર 3’માં ઍક્શન પ્રભાવશાળી અને કદી ન જોઈ હોય એવી હશે. આ ફિલ્મ આ વર્ષે દિવાળીમાં થિયેટરમાં હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને યશરાજ ફિલ્મ્સે પ્રોડ્યુસ અને મનીષ શર્માએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ ‘એક થા ટાઇગર’ અને ‘ટાઇગર ઝિન્દા હૈ’ની ફ્રૅન્ચાઇઝી છે. આ ફિલ્મમાં સલમાનની સાથે કૅટરિના કૈફ પણ શાનદાર ઍક્શન કરતી દેખાશે. તો શાહરુખ ખાન આ ફિલ્મમાં ‘પઠાન’ બનીને એન્ટ્રી કરવાનો છે. ફિલ્મની ઍક્શનની પ્રશંસા કરતાં સલમાને કહ્યું કે ‘ફિલ્મ ‘ટાઇગર 3’માં ઍક્શન રૉ, રિયલિસ્ટિક અને પ્રભાવશાળી હશે. એ આઉટ-ઑફ-ધ વર્લ્ડ રહેશે. ટાઇગર ફ્રૅન્ચાઇઝીની મને એક વાત ખૂબ ગમે છે કે હીરોને લાર્જર-ધૅન-લાઇફ રજૂ કરવામાં આવે છે. તે લોહી વહાવે છે અને તેની આસપાસના દુશ્મનો જ્યાં સુધી ખતમ ન થઈ જાય ત્યાં સુધી અડીખમ ઊભો રહે છે. તેની અંદરનું હીરોઇઝમ પડકાર ઝીલવા તૈયાર હોય છે. તે કદી પણ ઝૂકતો નથી. મારું પાત્ર ટાઇગર ફાઇટથી કદી પાછીપાની નથી કરતું. તેના છેલ્લા શ્વાસ સુધી તે લડે છે અને દેશ માટે છેવટ સુધી ઊભો રહે છે.’