`તેરી આંખોં મેં ઐસા ઉલઝા જિયા` રિવ્યુ: AIની દુનિયામાં ‘બત્તી ગુલ’

10 February, 2024 10:51 AM IST  |  Mumbai | Harsh Desai

અમિત અને આરાધનાએ ફિલ્મની સ્ટોરી એકદમ અલગ લખવાની કોશિશ કરી છે.

તેરી આંખોં મેં ઐસા ઉલઝા જિયા

તેરી આંખોં મેં ઐસા ઉલઝા જિયા 

કાસ્ટ : શાહિદ કપૂર, ક્રિતી સૅનન, ધર્મેન્દ્ર, ડિમ્પલ કાપડિયા
ડિરેક્ટર : અમિત જોષી, આરાધના શાહ

રિવ્યુ : અઢી

શાહિદ કપૂર અને ક્રિતી સૅનનની ‘તેરી આંખોં મેં ઐસા ઉલઝા જિયા’ રિલીઝ થઈ છે. આ ફિલ્મનું નામ જેટલું મોટું છે એટલી સ્ટોરી થોડી હટકે છે. અમિત જોષી અને આરાધના શાહ દ્વારા આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખવામાં આવી છે અને તેમણે જ ડિરેક્ટ પણ કરી છે.

સ્ટોરી ટાઇમ

આ ફિલ્મમાં શાહિદ કપૂર રોબોટિક એન્જિનિયર આર્યનના રોલમાં જોવા મળી રહ્યો છે. તે મુંબઈમાં ઑફિસમાં બેસીને કામ કરતો હોય છે. તેની સાથે તેનો બેસ્ટ ફ્રેન્ડ આશિષ વર્મા, જેણે મોન્ટીનું પાત્ર ભજવ્યું છે એ પણ હોય છે. તેમની લાઇફ રોબોઝની આસપાસ ફરતી હોય છે. આર્યનની લાઇફની કિસ્મત ખરાબ હોય છે. તેને પાર્ટનર નથી મળતો. તેમ જ તેનાં નખરાંને કારણે તેના ઘરે કોઈ કામ પણ નથી કરતું. જોકે તેની મમ્મીની ઇચ્છા હોય છે કે આર્યન લગ્ન કરી લે અને એનું તેના પર પ્રેશર વધવા લાગે છે. આ દરમ્યાન તેની આન્ટી ઊર્મિલા એટલે કે ડિમ્પલ કાપડિયા તેને અમેરિકા બોલાવે છે. તે રોબોટિક કંપનીની માલિક હોય છે અને તેની જ મુંબઈ ઑફિસમાં આર્યન કામ કરતો હોય છે. આર્યન જ્યારે અમેરિકા જાય છે ત્યારે ઊર્મિલાના ઘરે તેની મુલાકાત સિફ્રા સાથે થાય છે. તે સિફ્રા સાથે પ્રેમમાં પડે છે. જોકે ત્યારે તેને ખબર પડે છે કે સિફ્રા રોબો છે. તેની સાથે ચીટિંગ થઈ હોય એવું તેને ફીલ થાય છે. આથી તે ‘દેવદાસ’ કહો કે પછી ‘કબીર સિંહ’ બની જાય છે. ત્યાર બાદ તે સિફ્રાને ઇન્ડિયા લઈને આવે છે. રિસર્ચ કરવાના બહાને તે લાવે તો છે, પરંતુ અહીં આવી તે લોકોને પોતાની ગર્લફ્રેન્ડ તરીકે ઇન્ટ્રોડ્યુસ કરે છે. ત્યાર બાદ શું થાય છે એ જોવું રહ્યું.

સ્ક્રીનપ્લે અને ડિરેક્શન

અમિત અને આરાધનાએ ફિલ્મની સ્ટોરી એકદમ અલગ લખવાની કોશિશ કરી છે. જોકે ફિલ્મ જેમ-જેમ આગળ વધે છે ત્યારે તેઓ પોતે ફિલ્મનો જોનર ભૂલી ગયા હોય એવું લાગે છે. ફિલ્મ સાયન્સ ફિક્શન છે કે પછી રોમૅન્ટિક કૉમેડી એ જાણવું થોડું મુશ્કેલ પડે છે, કારણ કે ઘણાં એવાં દૃશ્ય છે જેના કારણે આ સવાલ ઊભા થાય છે. સાયન્સ ફિક્શન ફિલ્મ હોય તો સેક્સ સીન કેવી રીતે આવ્યો અને રોમૅન્ટિક કૉમેડી હોય તો રોબોનું શું કામ? જોકે તેમણે ફિલ્મને હટકે બનાવવા માટે ઘણી મહેનત કરી છે, પરંતુ તેમની મહેનત ફક્ત ક્રિતીના પાત્ર પર જ જોવા મળે છે. અન્ય પાત્રો પર મહેનત કરવામાં નથી આવી એવું લાગી શકે છે. તેમ જ ફિલ્મમાં ડાયલૉગ પણ ખાસ નથી. મહિલા પર અને લગ્નજીવનને લઈને જે ડાયલૉગ મારવામાં આવ્યા છે એ અગાઉ પણ સાંભળેલા છે. એમાં કોઈ નવીનતા નથી. જોકે ઘણા લોકો ફેમિનિઝમનો ઝંડો ફરી ઉઠાવીને શરૂ થઈ જશે. ઘણા લોકો ફેમિનિઝમનો મતલબ નથી સમજતા. તેમ જ જોકને જોકની રીતે નથી લેતા. આજે કોઈ પણ ફિલ્મમેકર માટે ફિલ્મ બનાવવી અથવા તો ડાયલૉગ લખવા ખૂબ જ મુશ્કેલ થઈ ગયા છે. તેમ જ ‘બ્રહ્માસ્ત્ર’માં આલિયા ભટ્ટ જેટલી વાર શિવા બોલે છે એટલી જ વાર અહીં સ્મોકિંગની વાત કરવામાં આવી છે. તેમ જ ફિલ્મને ખૂબ જ ખેંચવામાં આવી છે. એને થોડી ટૂંકી બનાવી શકાઈ હોત. અમિત અને આરાધનાએ તેમના ડિરેક્શન દ્વારા ફિલ્મને ખૂબ જ સિમ્પલ બનાવવાની કોશિશ કરી છે. જોકે આ રોબોની વાત છે કે પછી ‘મેડ ઇન હેવન’નો કોઈ એપિસોડ ચાલી રહ્યો છે.

પર્ફોર્મન્સ

શાહિદ કપૂર આ રીતના પાત્ર ભજવવા માટે જાણીતો છે. તેણે આ પાત્રમાં જાન પૂરવા માટે કોઈ કસર નથી છોડી. સ્ટોરીની ડિમાન્ડ હતી કે તેના પાત્રને જોઈને દર્શકો તેને ગાળો આપે અને એમ કરવામાં શાહિદ સફળ થયો છે. તે ઘણી વાર ઇરિટેટિંગ લાગે છે. શાહિદની સાથે આ ફિલ્મમાં ક્રિતીએ પણ ખૂબ જ સારું કામ કર્યું છે. તે રોબો હોવાથી તેનામાં હ્યુમન જેવાં એક્સપ્રેશન ન હોય અને એથી તેણે એક્સપ્રેશન લેસ ઍક્ટિંગ કરવાની હતી. તેણે આ કામ ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. તેની ઍક્ટિંગને જોઈને લાગે છે કે તે ખરેખર રોબો છે. ડિમ્પલ કાપડિયાનું પાત્ર થોડું કન્ફ્યુઝિંગ હતું. કન્ફ્યુઝિંગ એટલા માટે કે તેની જે કંપની છે એ કંપનીની પ્રોડક્ટ વિશે જ ડીટેલમાં તેને નથી ખબર હોતી. આ સિવાય ધર્મેન્દ્ર, રાકેશ બેદી, અનુભા ફતેહપુરિયા અને આશિષને જે કામ આપવામાં આવ્યું હતું એ તેમણે સારી રીતે ભજવ્યું છે.

મ્યુઝિક
આ ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ઠીકઠાક છે અને એમાં ચાર ગીતનો સમાવેશ કરવામાં આવ્યો છે. ‘લાલ પીલી અંખિયાં’ અને ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’ સારાં છે. જોકે ઓરિજિનલ સૉન્ગની સામે આ સૉન્ગ એટલું ખાસ નથી લાગતું. ‘અંખિયા ગુલાબ’ અને ‘તુમ સે’ ગીતને નજરઅંદાજ કરી શકાય છે.

આખરી સલામ

શાહિદ કપૂર અને ક્રિતી સૅનનની ફિલ્મ ફક્ત અને ફક્ત તેમના પર્ફોર્મન્સને કારણે જોઈ શકાય છે નહીંતર હજી પણ ૨૦૧૩માં આવેલી સ્કારલેટ જોહાનસનની ફિલ્મ ‘હર’ જોવાની એટલી જ મજા આવશે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની દુનિયામાં આ ફિલ્મની ‘બત્તી ગુલ’ થાય તો નવાઈ નહીં. અહીં શાહિદ કપૂરની ૨૦૧૮માં આવેલી ‘બત્તી ગુલ મીટર ચાલુ’નું નામ કોણે લીધું?

shahid kapoor kriti sanon bollywood news bollywood movie review bollywood entertainment news