24 January, 2025 09:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તૈમુર
થોડા દિવસ પહેલાં સૈફ અલી ખાન પર તેના જ ઘરમાં હુમલો થયો હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટના વખતે સૈફનો પરિવાર ઘરમાં જ હતો. એ હુમલા પછી સૈફ જ્યારે બાંદરાની લીલાવતી હૉસ્પિટલ પહોંચ્યો ત્યારે મોટો દીકરો તૈમુર તેની સાથે હતો એવા અહેવાલ આવ્યા હતા. હુમલા પછી તૈમુર પિતાને હૉસ્પિટલ લઈ ગયો હોવાની વાત જાહેર થઈ એ પછી ૭ વર્ષ સુધી તૈમુરની સંભાળ રાખનાર નૅની લલિતા ડિસિલ્વાએ તૈમુરની મેન્ટલ સ્ટ્રેંગ્થનાં વખાણ કરીને જણાવ્યું હતું કે તે તેના અબ્બા જેવો જ માનસિક રીતે મજબૂત છે.
લલિતા ડિસિલ્વાએ એક ઇન્ટરવ્યુમાં આ હુમલા વિશે પોતાની લાગણી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે ‘હુમલા પછી નાનકડો તૈમુર પોતાના પિતાને હૉસ્પિટલ લઈ ગયો હતો એ જાણીને મને બહુ આંચકો લાગ્યો હતો. આટલી નાની વયે તૈમુર માનસિક રીતે માની ન શકાય એટલો મજબૂત બની ગયો છે. હુમલો કરનાર વ્યક્તિ ક્યાંથી આવ્યો હશે અને કઈ રીતે ઘરમાં દાખલ થયો હશે એ વિશે મને કોઈ આઇડિયા નથી. મારા માટે તો આ આંચકાજનક સરપ્રાઇઝ હતી. તમે આ બિલ્ડિંગ બહારથી જુઓ તો એમાંથી અંદર દાખલ થઈ શકાય છે એવો ખ્યાલ જ ન આવે. આવું થશે એવું તો કોઈ સપનામાં પણ ધારી ન શકે.’
સૈફના ડિસ્ચાર્જ વિશે વાત કરતાં લલિતા ડિસિલ્વાએ જણાવ્યું કે ‘સૈફ તો સિંહ જેવો બહાદુર છે. તે ખરો નવાબ છે. હું તેમનો બહુ આદર કરું છું. તેઓ અંદરથી અને બહારથી બહુ સ્ટ્રૉન્ગ પર્સનાલિટી ધરાવે છે. તૈમુર પણ તેના પિતા જેવો જ બહાદુર છે. તેના પેરન્ટ્સ બહુ સ્ટ્રૉન્ગ પર્સનાલિટી ધરાવે છે. કરીનામૅડમ પણ બહુ ડિસિપ્લિન્ડ અને સ્ટ્રૉન્ગ છે. તેઓ બન્ને ઇચ્છે છે કે બાળકોનો ઉછેર સેલિબ્રિટી કિડ તરીકે નહીં પણ નૉર્મલ બાળક તરીકે જ થાય.’