14 May, 2024 07:59 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તબુ (સૌજન્ય- ઈન્સ્ટાગ્રામ)
Tabu Set to Return Hollywood: તબુ ભારતીય ફિલ્મ ઉદ્યોગની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. કરીના કપૂર અને કૃતિ સેનન સાથે તબુની છેલ્લી ફિલ્મ `ક્રૂ` ખૂબ જ સફળ રહી હતી. ઘણી યાદગાર ભૂમિકાઓ ભજવનાર તબુએ લૉકડાઉન પછી હિટ ફિલ્મો પણ આપી છે. હવે તબુના ચાહકો માટે એક મોટા સમાચાર છે.
તબુ ફરી એક હોલિવૂડ પ્રોજેક્ટ કરવા જઈ રહી છે. ઓસ્કાર વિજેતા ફિલ્મ ફ્રેન્ચાઇઝી `ડ્યૂન` એક પ્રીક્વલ બનવા જઈ રહી છે, જેની વાર્તા ફિલ્મમાં બતાવવામાં આવેલી ઘટનાઓ પહેલાની હશે. આ વાર્તા એક વેબ સિરીઝના ફોરમેટમાં બતાવવામાં આવશે, જેમાં તબુને કાસ્ટ કરવામાં આવી છે. તબુ અગાઉ બે હોલીવુડ પ્રોજેક્ટ-`ધ નેમસેક` અને `લાઇફ ઓફ પાઇ`માં કામ કરી ચૂકી છે.
વરાયટીના એક રિપૉર્ટ પ્રમાણે, તબુને સ્ટ્રીમિંગ પ્લેટફૉર્મ મેક્સ માટે બનતી `ડ્યૂન`ની પ્રીક્વલ સીરિઝ `ડ્યૂન: પ્રોફેસી` માટે કાસ્ટ કરવામાં આવી છે. આ શૉમાં તે સિસ્ટર ફ્રેન્ચેસ્કાનું પાત્ર ભજવવાની છે. તેમના પાત્રો વિશે જે ડિસ્ક્રિપ્શન સામે આવ્યું છે તે કંઇક આ રીતે છે, "તાકતવાન, ઈન્ટેલિજેન્ટ અને અટ્રેક્ટિવ સિસ્ટર ફ્રેન્ચેસ્કાને જોનારા તેની ઇમ્પ્રેશન ક્યારેય ભૂલી શકતા નથી. એક સમયે એમ્પરરનો પ્રેમ રહી ચૂકેલી ફ્રેન્ચેસ્કાનું કમબૅક, કેપિટલમાં શક્તિનું બેલેન્સ બગડવાનું છે."
Tabu Set to Return Hollywood: દરેક વ્યક્તિ તબુના અભિનયથી પ્રભાવિત છે, પરંતુ શોમાં તેના પાત્રની છાપ એટલી મજબૂત છે કે તેના વિશે જાણ્યા પછી લોકો આ શોની આતુરતાથી રાહ જોશે.
આ પહેલા તબુએ હોલીવુડ પ્રોજેક્ટ `લાઇફ ઓફ પાઇ` 2012માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં ઈરફાન ખાન, તબુ, આદિલ હુસૈન અને સૂરજ શર્મા પણ હતા. 4 ઓસ્કાર જીતનાર આ ફિલ્મ ફિલ્મ પ્રેમીઓની પ્રિય ફિલ્મોમાંની એક છે.
લૉકડાઉન પછી તબુ ભૂલ ભુલૈયા 2, દૃશ્યમ 2, ભોલા અને ક્રૂ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આ તમામ ફિલ્મો સફળ રહી હતી, જેમાંથી કેટલીક તો ખૂબ જ સફળ પણ રહી હતી. હવે તબુ ટૂંક સમયમાં અજય દેવગન સાથે ફિલ્મ `ઔરોં મેં કહાં દમ થા`માં જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે, કરીના કપૂર ખાનનું કહેવું છે કે તબુ સાથે કામ કર્યું હોવાથી તે ગર્વ મહેસૂસ કરી રહી છે. તેમણે ‘ક્રૂ’માં સાથે કામ કર્યું છે. આ ફિલ્મને એકતા કપૂર અને અનિલ કપૂરે પ્રોડ્યુસ કરી છે અને એમાં ક્રીતિ સૅનન પણ છે. આ ફિલ્મમાં તેઓ ત્રણેય ફ્લાઇટ-અટેન્ડન્ટની ભૂમિકા ભજવી રહ્યાં છે. તબુ સાથે કામ કરવાના અનુભવ વિશે કરીનાએ કહ્યું કે ‘આ ફિલ્મને લઈને હું ખૂબ જ ઉત્સાહી છું કારણ કે મને પહેલી વાર તબુ સાથે કામ કરવાની તક મળી છે. કરિશ્માએ તેની સાથે ઘણું કામ કર્યું છે. જોકે મને પણ આખરે તેની સાથે સ્ક્રીન શૅર કરવાની તક મળતાં હું સન્માન અનુભવી રહી છું.’ ‘ક્રૂ’નું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે, પરંતુ એમાં તબુના ડાયલૉગ દ્વારા અપશબ્દો બોલવામાં આવ્યા હતા જેને સેન્સર બોર્ડે બદલવાની સૂચના આપી હતી અને ફિલ્મમાં પણ એ બદલવામાં આવશે.