કર ભલા તો હોગા ભલા

05 February, 2022 12:46 PM IST  |  Mumbai | Harsh Desai

તાપસી અને તાહિરની આ મેસેજ આપતી ફિલ્મનાં કેટલાંક દૃશ્યો ફની હોવાની સાથે બોરિંગ પણ છે : એડિટિંગ અને કૅમેરા વર્ક દ્વારા અલગ ફીલ આપવાની કોશિશ કરવામાં આવી છે

કર ભલા તો હોગા ભલા

લૂપ લપેટા

કાસ્ટ : તાપસી પન્નુ, તાહિર 
રાજ ભસીન
ડિરેક્ટર્સ : આકાશ ભાટિયા
  
તાપસી પન્નુ અને તાહિર રાજ ભસીનની ‘લૂપ લપેટા’ ગઈ કાલે નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે. જર્મન ફિલ્મ ‘રન લોલા રન’ની આ હિન્દી રીમેકને આકાશ ભાટિયાએ ડિરેક્ટ કરી છે. તાહિરની આ વર્ષે આ ત્રીજી ડિજિટલ રિલીઝ છે. ‘યે કાલી કાલી આંખેં’, ‘રંજિશ હી સહી’ અને હવે આ ‘લૂપ લપેટા’ આવી છે. ત્રણેય એકબીજાથી અલગ છે. તાપસી પણ વર્ષમાં ત્રણ-ચાર ફિલ્મ કરવા માટે જાણીતી છે અને તેની આ વર્ષે પહેલી ફિલ્મ આવી છે.
સ્ટોરી ટાઇમ
આ ફિલ્મની સ્ટોરી સવી અને સત્યાની છે. સવી એક ઍથ્લીટ હોય છે જે ગોલ્ડ મેડલ જીતવા માગતી હોય છે, પરંતુ એક ઍક્સિડન્ટને કારણે તેની લાઇફ બદલાઈ જાય છે. તે સુસાઇડ કરવા માગતી હોય છે અને ત્યાં તેને સત્યા બચાવે છે. સત્યા તેની લાઇફ વિશે સમજાવે છે અને તેઓ પ્રેમમાં પડે છે. સત્યા લાઇફમાં હંમેશાં શૉર્ટકટ મારવા માગતો હોય છે. તે જુગાર રમવા જતો હોય છે, પરંતુ હંમેશાં માર ખાઈને ઘરે આવે છે. તે જે રેસ્ટોરાંમાં કામ કરતો હોય છે એનો માલિક તેને એક દિવસ તેનું બે નંબરનું કામ સોંપે છે. તેણે પચાસ લાખ રૂપિયા કલેક્ટ કરવાના હોય છે અને એ લાવીને તેના બૉસને આપવાના હોય છે. જોકે તેનાથી આ પૈસા ખોવાઈ જાય છે અને એથી સવી તેની મદદ કરે છે. આ મદદ દરમ્યાન તેઓ લૂપમાં ફસાઈ જાય છે.
ડિરેક્શન અને સ્ક્રીનપ્લે
ફિલ્મની સ્ટોરીને ખૂબ જ ટાઇટ રાખવામાં આવી છે, પરંતુ એમ છતાં એમાં ઘણા લૂપહોલ્સ છે. સ્ટોરી એસ્ટાબ્લિશ કરવામાં ઘણો સમય લાગી જાય છે પરંતુ એક વાર એ શરૂ થયા બાદ ઊભી રહેવાનું નામ નથી લેતી. ફિલ્મમાં જેટલાં ફની દૃશ્યો છે એટલાં જ બોરિંગ પણ છે. સ્ટોરીમાં થ્રિલ અને ઍક્શનની સાથે એને ફની અને મેસેજ આપતી બનાવવામાં આવી છે. ફિલ્મના ડિરેક્શન, એડિટિંગ અને કૅમેરા વર્ક પર ખૂબ જ ફોકસ કરવામાં આવ્યું છે. ખાસ કરીને કૅમેરા વર્ક ખૂબ જ સારું છે અને એના કારણે સ્ક્રીનપ્લે ઇન્ટરેસ્ટિંગ બન્યો છે. ચહેરાના હાવભાવેને કૅમેરા વર્ક દ્વારા અલગ ટચ આપવામાં આવ્યો છે.
પર્ફોર્મન્સ
તાપસી દરેક પાત્ર ભજવી જાણે છે. આ ફિલ્મમાં પણ તેણે સારું કામ કર્યું છે. તેણે તમામ જવાબદારી પોતાના ખભે ઉઠાવવાની કોશિશ કરી છે. જોકે કેટલાંક દૃશ્ય તેનાં પણ નબળાં લાગે છે. ખાસ કરીને તે જ્યારે રોડ ક્રૉસ કરતી હોય છે અને સામેથી કાર અને બાઇક આવતી હોય છે એ દૃશ્ય જોઈને ખબર પડી જાય છે કે કાર અને બાઇક પ્રોડક્શનની છે અને તેઓ સાચવીને ચલાવી રહ્યા છે. તાહિરે ધારવા કરતાં ખૂબ જ સારું કામ કર્યું છે. તેની ટપોરી સ્ટાઇલ અને તેનાં એક્સપ્રેશનને કારણે આ ફિલ્મમાં તેને જોવાની મજા આવે છે. આ સાથે જ વિક્ટરનું પાત્ર ભજવતા દિવ્યેન્દુ ભટ્ટાચાર્યએ પણ ખૂબ જ સારું કામ કર્યું છે. જોકે તેના પાત્રને વધુ સારી રીતે લખવાની જરૂર હતી. શ્રેયા ધન્વંતરી, રાજેન્દ્ર ચાવલા, કે. સી. શંકર અને ભૂપેશ બંદેકર જેવા ઍક્ટર્સે પણ સારા સપોર્ટિંગ રોલ કર્યા છે.
મ્યુઝિક

ફિલ્મનાં ગીતને બૅકગ્રાઉન્ડમાં જ રાખવામાં આવ્યાં છે અને ગીતની સાથે-સાથે સ્ટોરી પણ આગળ ચાલતી રહે છે. બૅકગ્રાઉન્ડ મ્યુઝિક સારું છે અને એ દર્શકોને ફિલ્મમાં ઇન્ટરેસ્ટ બનાવી રાખવામાં મદદ પણ કરે છે.
આખરી સલામ
‘કર ભલા તો હોગા ભલા’ના મેસેજની સાથે સ્ટોરીને વધુ સારી બનાવવાની જરૂર હતી. જોકે એમ છતાં સમયનો અભાવ ન હોય તો એને એક વાર જરૂર જોઈ શકાય છે.

bollywood news bollywood bollywood gossips entertainment news taapsee pannu harsh desai