05 March, 2024 06:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અંકિતા લોખંડે
રણદીપ હૂડાએ ડિરેક્ટ કરેલી ‘સ્વાતંયવીર સાવરકર’માં અંકિતા લોખંડેને તેના રોલ માટે મેકઅપ કરવાની તેણે ના પાડી હતી. આ ફિલ્મમાં યમુનાબાઈના રોલમાં અંકિતા જોવા મળશે. ફિલ્મને ઝી સ્ટુડિયોઝ, આનંદ પંડિત, સંદીપ સિંહ, રણદીપ હૂડા, રૂપા પંડિત, સૅમ ખાન, અનવર અલી, પાંચાલી ચક્રવર્તી અને યોગેશ રાહરે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મ બાવીસ માર્ચે હિન્દી અને મરાઠીમાં રિલીઝ થવાની છે. પોતાના રોલ વિશે અંકિતાએ કહ્યું કે ‘હું યમુનાબાઈ સાથે એટલા માટે રિલેટ થઈ શકી, કારણ કે તેઓ સ્ટ્રૉન્ગ મહિલા હતાં. જો આ રોલની તૈયારી વિશે કહું તો રણદીપે મને એક ઍક્ટર તરીકેની આઝાદી આપી રાખી હતી. એક ડિરેક્ટર તરીકે તે મને સાંભળતો કે હું કેવી રીતે કોઈ ચોક્કસ સીન પર્ફોર્મ કરવા માગું છું અને બાદમાં તે મને કહેતો કે તે કેવી રીતે મારી પાસે સીન કરાવવા માગે છે. મારું પાત્ર મારા ડાયલૉગ્સ પૂરતું નથી પરંતુ હાવભાવ પણ દેખાડે છે. યમુનાબાઈને લાઇફમાં ખૂબ વેઠવું પડ્યું હતું. તેમને ખૂબ પીડા સહન કરવી પડી હતી, એને મેં ઑન-સ્ક્રીન સાકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. મને ખબર નથી કે હું એ પાત્ર સાથે ન્યાય કરી શકીશ કે નહીં પરંતુ હું ડિરેક્ટરની ઍક્ટર છું. ડિરેક્ટરનાં સલાહસૂચનો અને તેઓ મારા પાસેથી કેવું પર્ફોર્મ કરાવવા માગે છે એનું હું અનુકરણ કરું છું.’
મેકઅપ વગર પર્ફોર્મ કરવા વિશે અંકિતાએ કહ્યું કે ‘હું રણદીપ પર આંધળો વિશ્વાસ કરું છું. મારા લુકની જ્યારે ચર્ચા થઈ રહી હતી ત્યારે રણદીપે મને સ્પષ્ટ જણાવ્યું હતું કે તેને મારા રોલ માટે કોઈ મેકઅપ નથી જોઈતો. યમુનાબાઈ જેવાં હતાં એમ તે મને રિયલ દેખાડવા માગતો હતો. એ બાબતે મને પર્ફોર્મ કરવામાં અને રોલને વિકસિત કરવામાં મદદ કરી હતી.’