06 December, 2023 06:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સની દેઓલ
Sunny Deol Viral Video: અભિનેતા સની દેઓલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તે નશાની હાલતમાં મુંબઈના જુહુમાં રસ્તાની વચ્ચે ફરતા જોવા મળે છે. અભિનેતા બરાબર ચાલી પણ શકતા નથી. તે લથડીને ચાલે છે તેવું વીડિયોમાં દેખાય છે. એવામાં એક ઓટો ડ્રાઈવર તેને સપોર્ટ કરતો જોવા મળે છે. આ વીડિયો વાયરલ થયા બાદ અભિનેતાને ભારે ટ્રોલ કરવામાં આવ્યા હતા. જોકે આ મામલે હવે આ વીડિયોને લઈને સની દેઓલની પ્રતિક્રિયા સામે આવી છે.
અભિનેતાએ જણાવ્યું સત્ય શું છે!
નોંધનીય છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સની દેઓલ નશાની હાલતમાં જોવા મળે છે. લથડીને ચાલી રહેલા અભિનેતાને ઓટો ડ્રાઈવર સપોર્ટ કરતો દેખાય છે. અભિનેતા બરાબર ચાલી પણ શકતા નથી. વીડિયો જોયા બાદ યુઝર્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે `તેમણે દસ વર્ષમાં એક હિટ ફિલ્મ આપી છે અને હવે તેઓ પોતાને બરબાદ કરી રહ્યા છે.
સની દેઓલ અન્ય એક વીડિયો શેર કરી જણાવી હકીકત
હવે સની દેઓલે પોતે આ વીડિયો અંગે સ્પષ્ટતા આપી છે. અભિનેતા તેનો આ વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તે તેના હાસ્યને રોકી શકતા નથી. આ અંગે તેમણે કહ્યું કે આ બિલકુલ કોઈ મુખ્ય મુદ્દો નથી. અભિનેતાએ કહ્યું, `આ એક શૂટનું વીડિયો રેકોર્ડિંગ છે. આ વાસ્તવિક નથી. તેથી, દરેક વ્યક્તિએ ચિંતા ન કરવી જોઈએ, આરામ કરવો જોઈએ. અભિનેતાએ કહ્યું, `જો મારે પીવું હોય તો શું હું આ રીતે રસ્તા પર કે ઓટો રિક્ષામાં હોત?`
અભિનેતા દરૂ પીતા નથી
અભિનેતાએ આગળ કહ્યું, `સત્ય એ છે કે હું દારૂ પીતો નથી અને આ કોઈ વાસ્તવિક વીડિયો નથી, પરંતુ ફિલ્મના શૂટિંગનું રેકોર્ડિંગ છે.` તમને જણાવી દઈએ કે અગાઉ એક શો દરમિયાન સની દેઓલે ખુલાસો કર્યો હતો કે તે દારૂને હાથ પણ નથી લગાવતો. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેતા આ વર્ષે ફિલ્મ `ગદર 2`માં જોવા મળ્યો હતો, જે બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.
નોંધનીય છે કે ફિલ્મમેકર રાજકુમાર સંતોષી એ કહ્યું હતું કે તેમને લાગે છે કે સની દેઓલની ટૅલન્ટની ઇન્ડસ્ટ્રીએ કદી કદર નથી કરી. આ સાંભળતાં જ સની દેઓલ ખૂબ ઇમોશનલ થઈ ગયો હતો. ગોવામાં આયોજિત ૫૪માં ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં તેમણે આ વાત કહી હતી. આ રાજકુમાર સંતોષી અને સની દેઓલે ‘ઘાયલ’, ‘દામિની’ અને ‘ઘાતક’માં સાથે કામ કર્યું હતું. હવે આ બન્ને ૨૭ વર્ષ બાદ ફરીથી ‘લાહોર 1947’માં કામ કરવાના છે.