સની દેઓલ પર લાગ્યો છેતરપિંડીનો આરોપ

31 May, 2024 12:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગદર 2ની સફળતા બાદ ઍડ્વાન્સ પેમેન્ટ લીધું હોવા છતાં અગાઉનાં કમિટમેન્ટ પૂરાં ન કરી રહ્યો હોવાની ચર્ચા

સની દેઓલ

સની દેઓલ પર એક વાર નહીં, ઘણી વાર છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. ‘ગદર 2’ની સફળતા બાદ તેણે ઍડ્વાન્સ પેમેન્ટ લઈ લીધું હોવા છતાં ઘણી ફિલ્મોનાં કમિટમેન્ટ પૂરાં ન કર્યાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રિયલ એસ્ટેટ ડેવલપરમાંથી પ્રોડ્યુસર બનેલા સૌરવ ગુપ્તાએ સની દેઓલ પર છેતરપિંડી, એક્સ્ટૉર્શન અને બનાવટ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. સની દેઓલે ૨૦૧૬માં ફિલ્મ કરવા માટે પૈસા લીધા હતા. તેમ જ ફિલ્મમાં કામ કરશે એવું કહી તે ઍડ્વાન્સ પેમેન્ટ્સ લેતો રહ્યો હતો. જોકે તેણે એ ફિલ્મ કદી ચાલુ નહોતી કરી. આ આરોપ મુજબ સની દેઓલે ચાર કરોડ રૂપિયામાં ફિલ્મ કરવાનું નક્કી કર્યું હતું. ૨૦૧૬માં તેણે એક કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા પરંતુ તેણે ‘પોસ્ટર બૉય્ઝ’ કરવાનું નક્કી કર્યું હતું. ત્યાર બાદ તેણે પેમેન્ટની ડિમાન્ડ કરી હતી અને અત્યાર સુધીમાં ૨.૫૫ કરોડ આપી દેવામાં આવ્યા છે. જોકે સૌરવ ગુપ્તાએ એવો પણ આરોપ મૂક્યો છે કે તેમણે કરેલા કૉન્ટ્રૅક્ટમાં સની દેઓલે એક પેજમાં બનાવટ કરીને ચાર કરોડ રૂપિયાની જગ્યાએ આઠ કરોડ કરી દીધા હતા અને પ્રૉફિટમાં પણ બે કરોડનો હિસ્સો રાખ્યો હતો. ૧૯૯૯માં આવેલી ‘જાનવર’ અને ૨૦૦૩માં આવેલી ‘અંદાઝ’ના ફિલ્મમેકર સુનીલ દર્શને પણ સની દેઓલ પર આવો જ આરોપ મૂક્યો હતો. ‘ગદર 2’ બાદ અન્ય એક ફિલ્મ માટે પણ સની દેઓલ પર આરોપ લાગ્યો હતો કે તેણે પાંચ કરોડમાં જે ફિલ્મ સાઇન કરી હતી એ ફિલ્મ માટે તેણે ૨૫ કરોડની ડિમાન્ડ કરી હતી, કારણ કે તેની ફિલ્મ બ્લૉકબસ્ટર બની ગઈ હતી. આ ફિલ્મ રામ જન્મભૂમિ પર આધારિત હતી.

sunny deol entertainment news bollywood bollywood news