04 March, 2021 02:56 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
સુનીલ શેટ્ટીએ પ્રૉડક્શન કંપની વિરુદ્ધ નોંધાવી ફરિયાદ,આ ફિલ્મ પર વિવાદ
એક્ટર સુનીલ શેટ્ટીએ બુધવારે જાહેર એક ફિલ્મના પોસ્ટર પછી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સુનીલ શેટ્ટીએ M/S બાલાજી મીડિયા ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની પ્રૉડક્શન કંપની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ કંપનીએ પોતાની આગામી ફિલ્મ 'વિનીતા'નું પોસ્ટર બુધવારે જાહેર કર્યું હતું. આ ફિલ્મના પોસ્ટરમાં સુનીલ શેટ્ટી પણ જોવા મળે છે. જ્યારે એક્ટરનો દાવો છે કે આ ફિલ્મમાં તેની તસવીર તેને કોઇપણ પ્રકારની માહિતી આપ્યા વગર રજૂ કરવામાં આવી છે.
સુનીલ શેટ્ટીએ પોતોની આ ફરિયાદમાં દાવો કર્યો છે કે તેની તસવીરનો ઉપયોગ પોસ્ટરમાં કરીને લોકો પાસેથી પૈસા માગવામાં આવી રહ્યા છે. એક્ટરે પોતાની ફરિયાદ વર્સોવા પોલીસ સ્ટેશનમાં કરાવી છે. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે, "આ ફરિયાદ M/S બાલાજી મીડિયા ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડના પ્રતિનિધિત્વકર્તા અમનપ્રીત કૌર અને અરિજીત ચેટર્જી દ્વારા કરવામાં આવેલા ફ્રૉડ વિશે છે."
મિડ-ડેના રિપૉર્ટ પ્રમાણે સુનીલ શેટ્ટીએ પોતાની આ ફરિયાદ વિશે કહ્યું, "મને નથી ખબર કે આ ફિલ્મ કોની છે, કોણ આને બનાવી છે અને ન તો મેં આ ફિલ્મ સાઇન કરી છે. તે ઓપનલી એક કલાકારનું શોષણ કરી રહ્યા છે. તે મારા નામનો ઉપયોગ કરી પૈસા એકઠા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ પ્રકારની હરકતથી મારી રેપ્યૂટેશન ખરાબ થાય છે અને એટલે જ મેં ફરિયાદ કરવાનો નિર્ણય લીધો છે."
તો આ ફરિયાદ પછી M/S બાલાજી મીડિયા ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજર રણવીર સિંહે નિવેદન આપ્યું છે, "અમારાથી ભૂલ થઈ છે. અમે અમારી બે ફિલ્મોની કાસ્ટિંગ પર કામ કરતા હતા અને અમે સુનીલશેટ્ટી અને બૉબી દેઓલને લઈને તેમના લુક ચેક કરવા માટે પોસ્ટર બનાવ્યા હતા. પણ કોઇકે આ પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા. આ પોસ્ટર સોશિયલ મીડિયા પરથી ખસેડી લેવામાં આવ્યા છે."
જો કે, મેનેજર રણવીર સિંહે આ વાત નકારી છે કે આ પોસ્ટર દ્વારા કોઇપણ પ્રકારના પૈસા એકઠાં કરવાનો પ્રયત્ન થયો હોય.