નામ બડે ઔર દર્શન છોટે

04 March, 2024 06:05 AM IST  |  Mumbai | Harsh Desai

વેબ-સિરીઝ ‘સનફ્લાવર 2’માં સુનીલ ગ્રોવરની સાથે અદા શર્માને લાવવામાં આવી છે, પણ જમાવટ નથી થતી

સનફ્લાવર 2નું પોસ્ટર

સનફ્લાવર 2 

કાસ્ટ : સુનીલ ગ્રોવર, અદા શર્મા, રણવીર શૌરી, ગિરીશ કુલકર્ણી, આશિષ વિદ્યાર્થી
ડિરેક્ટર : નવીન ગુજરાલ

સ્ટાર: દોઢ (ઠીક-ઠીક)

વિકાસ બહલ દ્વારા ક્રીએટ કરવામાં આવેલી ‘સનફ્લાવર 2’ હાલમાં ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ છે. લગભગ અડધા કલાકના ૮ એપિસોડની આ સીઝનને નવીન ગુજરાલે ડિરેક્ટ કરી છે. આ સીઝનમાં સુનીલ ગ્રોવર લીડ રોલમાં છે અને બીજી સીઝનમાં ઘણાં નવાં પાત્ર ઍડ કરવામાં આવ્યાં છે જેમાં અદા શર્મા મુખ્ય છે.

સ્ટોરી ટાઇમ
આ બીજી સીઝનની સ્ટોરી પહેલી સીઝન પૂરી થઈ હતી ત્યાંથી શરૂ થઈ છે. ‘સનફ્લાવર’ સોસાયટીમાં રહેતા રાજ કપૂરનું મર્ડર થયું છે અને એમાં શંકાના સ્થાને સોનુ સિંહ એટલે કે સુનીલ ગ્રોવર આવે છે. જોકે તેને કેટલીક વ્યક્તિએ કિડનૅપ કર્યો છે, પરંતુ તે ત્યાંથી બચીને ભાગી જાય છે. તે ભાગી તો જાય છે, પરંતુ અહીં પોલીસ તેની રાહ જ જોતી હોય છે. તેને પોલીસ પૂછપરછ માટે લઈ જાય છે. એ પછી આ સોસાયટીમાં રહેતા પ્રોફેસર આહુજા એટલે કે મુકુલ ચઢ્ઢાની વાઇફ મિસિસ આહુજા એટલે કે રાધા ભટ્ટ પોલીસ-સ્ટેશન જાય છે. મિસિસ આહુજા પતિને ધમકાવે છે કે તે પોલીસને સાચું જણાવી દેશે કે પ્રોફેસર આહુજાએ મર્ડર કર્યું  છે. પ્રોફેસરને લાગે છે કે પત્ની તેને ફસાવી દેશે એટલે તે પોલીસની સામે જઈને પોતાનો ગુનો કબૂલ કરી લે છે કે મેં પત્ની સાથે મળીને મર્ડર કર્યું હતું. જોકે પોલીસે વધુ તપાસ કરતાં તેમને નવા પુરાવા મળે છે અને એક પછી એક દરેક જણ શંકાના દાયરામાં આવે છે. એ દરમ્યાન સોસાયટીમાં રોઝી મહેતાની એન્ટ્રી થાય છે. તે બાર-ડાન્સર છે અને રાજ કપૂરે મર્ડર થતાં પહેલાં તેનો ફ્લૅટ રોઝીના નામે કરી દીધો છે એથી રાજ કપૂરની એક્સ-પત્ની પણ ઘર પર પોતાનો હક દર્શાવે છે એટલે પોલીસ એ બન્ને પર શંકા કરે છે.

સ્ક્રીનપ્લે અને ડિરેક્શન
વિકાસ બહલ દ્વારા લખવામાં આવેલી આ સ્ટોરીમાં ઘણા લોચા છે. સ્ટોરી ડાર્ક કૉમેડી જરૂર છે, પરંતુ એમાં પહેલી સીઝનની જ ઝલક જોવા મળે છે. પહેલી સીઝન દરમ્યાન કંઈક નવું હતું એટલે જોવાની મજા આવી હતી, પરંતુ બીજી સીઝનમાં કોઈ નવીનતા જેવું નથી તેમ જ દરેક પાત્રને લખવામાં આળસ કરવામાં આવી છે. વિકાસ બહલ દ્વારા ક્રીએટ કરવામાં આવેલી આ સીઝનમાં મહિલાના એક પણ પાત્રને સારું દેખાડવામાં નથી આવ્યું તેમ જ તેમના વિશે ઘણી વાર કમેન્ટ પણ કરવામાં આવી છે. આ પાત્રમાં દરેકની સ્ટોરી અલગ-અલગ છે, દરેકે કાંડ કર્યા છે અને દરેકનો મોટિવ છે. સ્ટોરી સુનીલ ગ્રોવરની આસપાસ ફરે છે તેમ જ ઇન્વેસ્ટિગેશનમાં અદા શર્માનું પાત્ર ખૂબ મહત્ત્વનું છે. જોકે આમ છતાં તેના પાત્રને વધુ લેયરવાળું બનાવવામાં નથી આવ્યું. તેના પાત્રની પણ સ્ટોરી છે અને તેમના પણ મુખવટા ઊતરે છે, પરંતુ એને માટે ખૂબ સમય જાય છે. લગભગ પાંચ એપિસોડ પછી સ્ટોરી સ્પીડ પકડે છે, પણ ત્યાં સુધી કંટાળીને સીઝન જોવાનું બંધ કરવાનો વિચાર પણ આવી શકે છે. નવીન ગુજરાલે આ વખતે ઇન્વેસ્ટિગેશનને મહત્ત્વ આપ્યું છે, પરંતુ એમ છતાં કેટલાંક દૃશ્યો એવાં છે જેને કારણે સ્ટોરીમાં કોઈ અસર નથી પડતી, ખાસ કરીને સોનુની ઑફિસનાં દૃશ્યો તેમ જ આ સ્ટોરીમાં પોલીસને પણ ખૂબ ખરાબ દેખાડવામાં આવી છે. એક પોલીસ ઑફિસર ઘણી ગર્લફ્રેન્ડ્સ સાથે જોવા મળે છે અને એક પર જે મર્ડર માટે શંકા છે તેની સાથે જ તેને અફેર છે.

પર્ફોર્મન્સ
સુનીલ ગ્રોવર ‘તાંડવ’ અને ‘જવાન’માં એકદમ અલગ રંગમાં જોવા મળ્યો હતો, પરંતુ અહીં તે ફરી તેના કૉમિક રંગમાં રંગાઈ ગયો છે. તે કપિલ શર્મા સાથે જેવું કરતો એ જ અહીં પણ કરતો જોવા મળે છે. તે હંમેશાં પોતાને ગંદો દેખાડીને અન્યને એન્ટરટેઇન કરતો આવ્યો છે અને અહીં પણ એ જ જોવા મળે છે. અદા શર્માએ ‘ધ કેરલા સ્ટોરી’ બાદ ઘણી નામના મેળવી હતી. જોકે આ શો તેણે શું કામ પસંદ કર્યો એ પણ સવાલ છે. તેનું પાત્ર મહત્ત્વનું હતું, પરંતુ એને એ રીતે નહોતું લખવામાં આવ્યું કે તે આ શો કરવા માટે તૈયાર થઈ જાય. 
રણવીર શૌરી અને ગિરીશ કુલકર્ણીને જે પાત્ર આપવામાં આવ્યાં છે એને તેમણે સારી રીતે ભજવવાની કોશિશ કરી છે. આશિષ વિદ્યાર્થીએ એક ઑર્થોડોક્સ વ્યક્તિના પાત્રને સારી રીતે ભજવ્યું છે. જોકે ગિરીશ કુલકર્ણીના ઍન્ટિક્સ ઘણી વાર હસાવી જાય છે.

આખરી સલામ
પહેલી સીઝન પસંદ પડી હોય તો આ સીઝન જોવાની હિંમત અવશ્ય કરી શકાય તેમ જ મેકઅપ અને ડિઝાઇનરની વાત જ્યાં સુધી ન કરીએ ત્યાં સુધી વધુ સારું છે. અદાની આ અદા શોમાં બિલકુલ અદા-લેસ થઈ ગઈ છે.

sunil grover adah sharma entertainment news bollywood news bollywood movie review bollywood