24 September, 2023 07:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
વિકી કૌશલની ‘ધ ગ્રેટ ઇન્ડિયન ફૅમિલી’ અને શિલ્પા શેટ્ટી કુન્દ્રાની ‘સુખી’ બન્ને ‘જવાન’ના વમળમાં અટવાઈ ગઈ છે. આ બન્ને ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ છે. ‘સુખી’એ પહેલા દિવસે ૩૦ લાખ અને ‘ધ ગ્રેટ ઇન્ડિયન ફૅમિલી’એ પહેલા દિવસે ૧.૪૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. વિકીની સારા અલી ખાન સાથેની ‘ઝરા હટકે ઝરા બચકે’એ પહેલા દિવસે ૫.૪૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જોકે આ અઠવાડિયે તેમને શાહરુખ ખાનની ‘જવાન’નો ખૂબ માર પડ્યો છે. આ ફિલ્મે ત્રીજા અઠવાડિયાના શુક્રવારે ૭.૧૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ બિઝનેસ હિન્દી ભાષાનો છે અને એની સાથે ટોટલ ૪૮૦.૫૪ કરોડ રૂપિયાનો હિન્દીમાં બિઝનેસ થયો છે.
આ ફિલ્મની શનિ-રવિવારે પણ ઘણી ટિકિટો વેચાઈ હતી. એટલે આ ફિલ્મ વીક-એન્ડમાં ૫૦૦ કરોડની ક્લબમાં પહોંચી જશે.
953.97
શાહરુખ ખાનની ‘જવાન’ ફિલ્મે દુનિયાભરમાં આટલા કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે.
‘જવાન’માં નયનતારાના પાત્રને સ્ક્રીન-ટાઇમ ઓછો મળ્યો હોવાનો અફસોસ છે શાહરુખને
શાહરુખ ખાનને એ વાતનો વસવસો છે કે તેની ફિલ્મ ‘જવાન’માં નયનતારાને ઓછો સ્ક્રીન-ટાઇમ મળ્યો છે. આ જ કારણ છે કે નયનતારા ફિલ્મના ડિરેક્ટર ઍટલીથી નારાજ હોવાનું જાણવા મળ્યું છે. એવું પણ જાણવા મળ્યું છે કે નયનતારાએ હવે બૉલીવુડની ફિલ્મોમાં કામ ન કરવાનો નિર્ણય લીધો છે. ફિલ્મમાં તે નર્મદાના રોલમાં જોવા મળી છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર શાહરુખે આસ્ક એસઆરકે સેશન રાખ્યું હતું એ દરમ્યાન એક ફૅને તેને કહ્યું કે ‘મને આઝાદનું સુજી સાથેનું બૉન્ડિંગ ખૂબ ગમ્યું છે. સિંગલ મધરની સ્ટોરીને ખૂબ સરસ રીતે દેખાડવામાં આવી છે અને એ રિફ્રેશિંગ લાગે છે. દરેક પ્રકારની મહિલાઓને ફિલ્મમાં દેખાડવા બદલ થૅન્ક યુ.’
એ ફૅનને જવાબ આપતાં એક્સ પર શાહરુખે લખ્યું છે, ‘મને પણ સિંગલ મૉમ નર્મદાની સ્ટોરી અતુલનીય લાગી છે. દુખદ વાત એ છે કે ફિલ્મમાં તેને વધુ સ્ક્રીન-ટાઇમ નથી આપી શકાયો. જોકે તે અદ્ભુત છે.’