06 December, 2023 05:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ધ આર્ચીઝ’ના ગેટ-ટુગેધરને લઈને સુહાનાને કરવામાં આવી ટ્રોલ
‘ધ આર્ચીઝ’નું શૂટિંગ હાલમાં જ પૂરું થતાં ફિલ્મના કલાકારોએ પાર્ટી કરી હતી. આ પાર્ટીને કારણે શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનને ટ્રોલ કરવામાં આવી છે. આ ફિલ્મને ઝોયા અખ્તરે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં સુહાના ખાન, ખુશી કપૂર, અગસ્ત્ય નંદા, મિહિર આહુજા, ડૉટ, યુવરાજ મેન્ડા અને વેદાંગ રૈના પણ લીડ રોલમાં દેખાશે. આ ફિલ્મને કૉમિક બુક ‘આર્ચી’ પરથી અડૅપ્ટ કરવામાં આવી છે. ફિલ્મને વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે. હવે ફિલ્મની કાસ્ટની પાર્ટી ખૂબ શાનદાર રહી હતી. આ બધાની સાથે ડેલનાઝ ઈરાની પણ હાજર હતી. સુહાનાએ રેડ બૉડીકૉન ડ્રેસ, ખુશીએ શૉર્ટ વાયલેટ ડ્રેસ પહેર્યો હતો. ઝોયા બ્લૅક ઍન્ડ વાઇટ ડ્રેસમાં પહોંચી હતી. સુહાનાના બૉડીકૉન ડ્રેસને કારણે તે ચાલી પણ નહોતી શકતી. આથી તેને ટ્રોલ કરવામાં આવી રહી હતી. તેની ચાલવાની સ્ટાઇલને મલાઇકા અરોરા સાથે સરખાવવામાં આવી રહી હતી જેને હંમેશાં તેની ચાલવાની સ્ટાઇલ માટે ટ્રોલ કરવામાં આવે છે.