06 December, 2022 03:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આયુષમાન ખુરાના
આયુષમાન ખુરાનાનું કહેવું છે કે સ્ટ્રૉન્ગ માઉથ પબ્લિસિટીથી તેની હાલમાં જ રિલીઝ થયેલી ‘ઍન ઍક્શન હીરો’નો બિઝનેસ વધી શકે છે. આ ઍક્શન ફિલ્મમાં જયદીપ અહલાવત પણ લીડ રોલમાં છે. આ ફિલ્મને આનંદ એલ. રાયે પ્રોડ્યુસ અને અનિરુદ્ધ અય્યરે ડિરેક્ટ કરી છે. ફિલ્મને લઈને એક નોટ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આયુષમાને એમાં લખ્યુ છે કે ‘મારી પહેલી ઍક્શન ફિલ્મ. અનિરુદ્ધની ડિરેક્ટર તરીકે પહેલી ફિલ્મ. લેખક નીરજ યાદવની પહેલી ફિલ્મ. સંગીતકાર પરાગની પહેલી થિયેટ્રિકલ ફિલ્મ. ડિરેક્ટર ઑફ ફોટોગ્રાફી કૌશલ શાહની પહેલી થિયેટ્રિકલ ફિલ્મ. બૅકગ્રાઉન્ડ સ્કોર આર્ટિસ્ટ સનીની પહેલી હિન્દી ફિલ્મ. ‘ઍન ઍક્શન હીરો’ની આખી જર્નીમાં મને એહસાસ થયો કે અમે સિનેમાના નવા સ્ટુડન્ટ્સ છીએ અને અમે ખરેખર કંઈક એક્સાઇટિંગ અને નવું બનાવી રહ્યા છીએ. એક ટીમ તરીકે અમે ક્રીએટિવ વિષયને લોકો સુધી પહોંચાડવા માટે સાથે મળીને કામ કરીએ છીએ. ‘શુભ મંગલ સાવધાન’, ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’થી માંડીને હવે ‘ઍન ઍક્શન હીરો’. અમે દર્શકોને કંઈક નવું આપવાનો અને સિનેમા દ્વારા એ વિષય પર ચર્ચા થાય એવો પ્રયાસ કરીએ છીએ. એથી ‘ઍન ઍક્શન હીરો’ સાથે સંકળાયેલી સકારાત્મકતા અને સ્ટ્રૉન્ગ વર્ડ ઑૅફ માઉથને લઈને અમે ખુશ છીએ. અમને આશા છે કે એના કારણે વધુમાં વધુ લોકો આ ફિલ્મ જોવા માટે થિયેટર્સમાં આવશે. અમે હંમેશાંથી સ્ટોરીઝને હટકે જણાવવા માગીએ છીએ અને જે પ્રોજેક્ટ્સ ફ્રેશ, અનોખા અને પરંપરા તોડનારા હોય એને અમે સપોર્ટ કરીએ છીએ. ‘ઍન ઍક્શન હીરો’ માટે લોકો દ્વારા જે પ્રેમ મળી રહ્યો છે એને લઈને આભાર વ્યક્ત કરીએ છીએ. એ પ્રમાણ છે કે આ પ્રકારની ફિલ્મો કોઈ બનાવતું નથી, અમે એક પ્રકારે રિસ્ક લીધું છે અને આશા છે કે એના દ્વારા અમે વિવિધતાથી ભરેલી સ્ટોરીઓ દેખાડીને ઇન્ડસ્ટ્રીમાં યોગદાન આપી શકીશું. ‘ઍન ઍક્શન હીરો’ની સ્ટોરી ભાગ્યે જ જોવા મળે છે. એક એવી ફિલ્મ કે જેના માધ્યમથી ક્રીએટિવિટીને પ્રોત્સાહન મળ્યું અને આશા છે કે આવનારા દિવસોમાં પણ તમે આ રીતે પ્રેમ આપતા રહેશો અને ફિલ્મની પ્રશંસા કરતા રહેશો. હંમેશાં પ્રેમ અને સપોર્ટ આપતા રહો.’
આ પણ વાંચો: ફિલ્મ રિવ્યુ: ફની ‘ઍક્શન હીરો’
પહેલા વીક-એન્ડમાં ૫.૯૯ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો ‘ઍન ઍક્શન હીરો’એ
શુક્રવારે રિલીઝ થયેલી ‘ઍન ઍક્શન હીરો’એ પહેલા વીક-એન્ડમાં ૫.૯૯ કરોડનો બિઝનેસ કર્યો છે. ફિલ્મમાં આયુષમાન ખુરાના અને જયદીપ અહલાવત લીડ રોલમાં છે. સાથે જ નોરા ફતેહી અને મલાઇકા અરોરા સાથે તેનો સ્પેશ્યલ ડાન્સ નંબર પણ છે. ફિલ્મના ત્રણ દિવસના બિઝનેસ પર નજર નાખીએ તો શુક્રવારે ૧.૩૧ કરોડ, શનિવારે ૨.૧૬ કરોડ અને રવિવારે ૨.૫૨ કરોડની સાથે કુલ મળીને ૫.૯૯ કરોડનો વકરો કર્યો છે. શુક્રવારની સરખામણીએ વીક-એન્ડમાં ફિલ્મના બિઝનેસમાં વધારો નોંધાયો છે.