22 September, 2024 10:07 AM IST | Mumbai | Shailesh Nayak
ભૂમિ રાજગોર, (ડાબે) ‘સ્ત્રી 2’માં ભૂમિ
સાંતાક્રુઝના એક બિલ્ડિંગમાં યુવતીની ચીસ સંભળાઈ. આસપાસનાં બિલ્ડિંગમાં રહેતા ઘણા લોકો ગભરાટના માર્યા તેમની બારી પાસે દોડી આવીને આમતેમ જોવા લાગ્યા. કંઈક અજુગતું બન્યું હોવાની શંકા તેમના મનમાં જાગી. વાતાવરણમાં એક પ્રકારનો અજંપો સર્જાઈ ગયો. જોકે આનાથી વિપરીત પરિસ્થિતિ જે બિલ્ડિંગમાંથી ચીસનો અવાજ આવ્યો હતો ત્યાં બની, ચીસ પાડનાર એ યુવતીને અભિનંદન આપવામાં આવ્યાં અને કહેવામાં આવ્યું કે સ્ત્રી કે કૅરૅક્ટર કે લિએ આપકા સિલેક્શન હુઆ હૈ.
બ્લૉકબસ્ટર સાબિત થયેલી ફિલ્મ ‘સ્ત્રી 2’ના સ્ત્રીના પાત્ર માટે અમદાવાદની ભૂમિ રાજગોરનું આ સિલેક્શન જોકે ઍક્સિડેન્ટલ હતું. ભૂમિએ ઑડિશન આપ્યું હતું બીજા કોઈ રોલ માટે અને તેની પસંદગી થઈ જુદા જ પાત્ર માટે. ભૂમિ રાજગોર ફિલ્મમાં બદલાયેલા તેના રોલ વિશે વાત કરતાં ‘મિડ-ડે’ને કહે છે, ‘મેં જ્યારે ઑડિશન આપ્યું ત્યારે એ અપારશક્તિ ખુરાનાની ગર્લફ્રેન્ડ ચિટ્ટીના કૅરૅક્ટર માટે હતું. મેં ટાઇટલ-રોલ માટે ઑડિશન નહોતું આપ્યું. એક મહિના સુધી કોઈ રિપ્લાય ન આવ્યો એટલે મને લાગ્યું કે કદાચ હું રિજેક્ટ થઈ હોઈશ, પરંતુ એક મહિના પછી ફોન આવ્યો કે તમારું ઑડિશન અમને ગમ્યું છે અને તમને વધારે ઇમ્પોર્ટન્ટ રોલ માટે સિલેક્ટ કરવાં છે, પણ વાત એમ છે કે તમારો ફેસ નહીં દેખાય. એટલે મેં કહ્યું કે એવું કઈ રીતે બને? આવું તો પૉસિબલ નથી કે ફેસ ન દેખાય. એટલે તેમણે કહ્યું કે આ હૉરર મૂવી છે. આ વાતચીત જ્યારે ચાલતી હતી ત્યારે મને ખબર નહોતી કે આ વાત ‘સ્ત્રી 2’ ફિલ્મ માટે થઈ રહી છે. મને ફોનમાં કહેવામાં આવ્યું કે ડાયરેક્ટર અમર કૌશિક તમને મળવા માગે છે. આ વાત સાંભળીને પહેલાં તો લાગ્યું કે મને કોઈ બેવકૂફ બનાવે છે, મારી સાથે પ્રૅન્ક થઈ રહ્યાે છે. કેમ કે એવો કોઈ રોલ હોય જેમાં ફેસ દેખાવાનો ન હોય તો ડાયરેક્ટર મળીને પણ શું કરે? જોકે ફોનમાં મને મુંબઈ આવવા જણાવ્યું એટલે હું અમદાવાદથી મુંબઈ મળવા ગઈ. સાંતાક્રુઝમાં આવેલા મૅડૉક ફિલ્મ્સના બિલ્ડિંગમાં હું પહોંચી ગઈ. અમર સરને મળી ત્યારે તેમણે કહ્યું કે અમે ‘સ્ત્રી 2’ ફિલ્મ બનાવી રહ્યા છીએ અને હું મારી ફિલ્મની સ્ત્રી શોધી રહ્યો છું, અમે તમને સ્ત્રીના રોલ માટે શૉર્ટલિસ્ટ કર્યાં છે. આટલું સાંભળતાં જ બે મિનિટ તો હું કાંઈ બોલી ન શકી. આ વાત મારી અંદર ઊતરી જ નહીં. એટલે મેં કહ્યું કે સર ક્યા? ત્યારે તેમણે ફરી કહ્યું કે સ્ત્રી કે કૅરૅક્ટર કે લિએ આપકો શૉર્ટલિસ્ટ કિયા હૈ. પછી મને આશ્ચર્ય સાથે આનંદ થયો કે ઓહ માય ગૉડ, ટાઇટલ રોલ!’
અગાઉ ઑડિશન આપ્યા પછી પણ ફરી એક વાર ઑડિશન થયું એને કારણે સર્જાયેલી ફની પરિસ્થિતિ વિશે વાત કરતાં ભૂમિ કહે છે, ‘મને ડાયરેક્ટર અમર કૌશિકે કહ્યું કે તમારે આ ફિલ્મમાં ચીસ પાડવાની છે, બીજું કાંઈ નહીં; હું શૂટ કરું છું, જેટલું જોર હોય એટલા જોરથી ચીસ પાડો. એટલે મેં પણ તરત જ બૂમ પાડવાનું શરૂ કરી દીધું. તેઓ શૂટ કરી રહ્યા હતા. થોડી વાર પછી તેમણે કહ્યું કે બસ, પર્ફેક્ટ; ફિલ્મમાં આ જ કરવાનું છે. એ સાંભળીને મને ખુશી થઈ કે ‘સ્ત્રી’ ફિલ્મની સીક્વલમાં મને કામ મળ્યું. જોકે બીજી તરફ એવી ઘટના બની કે હું ઑડિશન માટે ચીસો પાડતી હતી એને કારણે આજુબાજુનાં બિલ્ડિંગવાળા બારી ખોલીને જોવા લાગ્યા કે કોઈનું મર્ડર થઈ ગયું છે કે શું? કોઈ છોકરી ચીસ પાડી રહી છે? શું થયું? તેમને જોકે પછીથી ખબર પડી કે આ તો ઑડિશન ચાલે છે. આ એક ફની ઑડિશન બન્યું હતું.’
શ્રદ્ધા કપૂર સાથે
શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી જેવી સ્ટારકાસ્ટ ધરાવતી ‘સ્ત્રી 2’ હાલમાં ધૂમ મચાવી રહી છે ત્યારે ભૂમિ રાજગોરની લાઇફમાં પણ આ ફિલ્મની સફળતા પછી બદલાવ આવ્યો છે. તે કહે છે, ‘નાનપણમાં ઘરમાં એવું શીખવાડે કે લાઇફમાં ઈઝીલી સક્સેસ ન મળે, ઓવરનાઇટ સક્સેસ ન મળે; પણ ‘સ્ત્રી 2’ પછી એવું થયું છે. મેં બે ગુજરાતી મૂવી કરી છે, એ ઉપરાંત બૉલીવુડની ફિલ્મ ‘સત્ય પ્રેમ કી કથા’માં નાનકડો કૅમિયો કર્યો હતો કિયારા અડવાણીની ફ્રેન્ડ તરીકે, ત્યાં સુધી થોડા જ લોકો મને ઓળખતા હતા. મુંબઈમાં ‘સ્ત્રી 2’ ફિલ્મનો પેઇડ પ્રીવ્યુ હતો. ફિલ્મમાં ક્રેડિટમાં મારું નામ આવે છે : સ્ત્રી – ભૂમિ રાજગોર. આ પ્રીવ્યુ પછી રાતે હું હોટેલમાં જઈને સૂઈ ગઈ. સવારે ૮ વાગ્યે ફોનકૉલ્સથી હું ઊઠી તો સામા છેડેથી કહે કે તું ફેમસ થઈ ગઈ, ગૂગલ પર તારા નામના આર્ટિકલ્સ છે. મને થયું કે આવું કેવી રીતે પૉસિબલ છે? કારણ કે આખી ફિલ્મમાં તો હું ઘૂંઘટમાં હતી એટલે કે સ્ત્રી તો ઘૂંઘટમાં હતી. સ્ત્રીનો ફેસ છેલ્લે ફક્ત પાંચ-દસ સેકન્ડ માટે દેખાય છે. મેં મારા આર્ટિકલ્સ જોયા, પણ મેં ત્યારે ગભરાઈને મારો ફોન બંધ કરી દીધો હતો. ‘સ્ત્રી 2’ પછી મને સક્સેસ ઓવરનાઇટ મળી, ત્યાં સુધી સ્ટ્રગલ રહી છે. મને તો બિલકુલ અંદાજ નહોતો કે આ લેવલની સક્સેસ અને ફેમ મને મળશે.’
‘સ્ત્રી 2’ ફિલ્મમાં ભૂમિના રોલથી તેના પેરન્ટ્સ અને ખાસ કરીને તેનાં મમ્મી અવઢવમાં હતાં. ભૂમિ કહે છે, ‘મારાં મમ્મી જ્યોતિબહેન, પપ્પા જિતેન્દ્રભાઈ, મારા બે ભાઈ દર્શન અને દર્શક છે. ફિલ્મમાં મારી પસંદગી થઈ એટલે ફિલ્મ રિલીઝ ન થાય ત્યાં સુધી બીજા કોઈને કહેવાય નહીં, પરંતુ ફૅમિલીમાં આ વાત કરું એ સ્વાભાવિક હતું એટલે મમ્મીને કહ્યું કે હું આ ફિલ્મમાં સ્ત્રીનો રોલ કરવાની છું. મારી મમ્મીએ પહેલાં ‘સ્ત્રી’ ફિલ્મ આવી હતી એ જોઈ નહોતી, કેમ કે તેને હૉરર મૂવીની બીક લાગે છે. મમ્મીએ મને કહ્યું કે અરે તું તો ફિલ્મમાં આખો ટાઇમ ઘૂંઘટમાં હોઈશ તો તને ઓળખશે કોણ? મેં મમ્મીને કહ્યું કે એ વાત સાચી, પણ મેં ફિલ્મ સાઇન કરી એનું એક રીઝન એ હતું કે ફિલ્મમાં પંકજ ત્રિપાઠી સર, રાજકુમાર રાવ સર, અભિષેક બૅનરજી સર, શ્રદ્ધા કપૂર, અપારશક્તિ ખુરાના, અમર કૌશિક સર હતા અને મૅડૉક ફિલ્મ્સનું પ્રોડક્શન-હાઉસ હતું. મેં વિચાર્યું કે આ બધા દિગ્ગજ કલાકાર-કસબીઓ છે એટલે મને સેટ પર તેમની પાસેથી ઘણું બધું શીખવા મળશે, જે તમને દુનિયાની ટૉપમોસ્ટ ફિલ્મ-સ્કૂલ પણ નહીં શીખવાડી શકે. મારે માટે તો બૉલીવુડની ડેબ્યુ મૂવી હતી ટાઇટલ લીડ રોલ સાથે. આ કલાકારો અને પ્રોડક્શન હાઉસ સાથે કામ કરીશ તો જે લર્નિંગ એક્સ્પીરિયન્સ મળશે એ આજીવન કામ લાગવાનો છે એમ વિચારીને ફિલ્મ માટે હા પાડી હતી. એ પછી મારા પેરન્ટ્સ સમજ્યાં અને હા પાડી. આજે મારાં મધર-ફાધર અને મારા બે ભાઈને ગર્વ થાય છે.’
મમ્મી-પપ્પા અને બે ભાઈઓ તેમ જ પાળેલા બે ડૉગ સાથે
‘સ્ત્રી 2’ના ક્લાઇમૅક્સ સીનના શૂટિંગ વખતે ભૂમિ ઈજાગ્રસ્ત થઈ અને શ્રદ્ધા કપૂર ચિંતામાં મુકાઈ ગઈ હતી એની વાત કરતાં ભૂમિ કહે છે, ‘ફિલ્મનો ક્લાઇમૅક્સ સીન શૂટ થતો હતો અને એક ભૂત તરીકે મારે ઉપરથી ઊડતાં-ઊડતાં આવવાનું હતું. હું હવામાંથી ઊડતી આવું છું અને જાઉં છું. એ દરમ્યાન મશીન બગડતાં માણસો મને ઊંચકીને લઈ જતા હતા એમાં અચાનક મારો પગ ક્યાંક અથડાયો અને પગ લોહીલુહાણ થઈ ગયો હતો. જોકે તરત જ મારી સારવાર થઈ હતી, પરંતુ મેં જોયું કે મને ઈજા થતાં શ્રદ્ધા કપૂર ચિંતામાં હતી. તે મને વારંવાર પૂછતી હતી કે બહુ દર્દ તો નથી થતુંને. તે મારી કૅર કરતી હતી. ત્યારે મને થયું કે આ લેવલની સ્ટાર હોવા છતાં તેને મારા માટે વિચાર આવે, મને વાગ્યું છે એની ખબર પૂછે છે.’
ફિલ્મના શૂટિંગ દરમ્યાન
બૉલીવુડમાં તમને સફળતા મળે એટલે સ્વાભાવિક રીતે અન્ય ફિલ્મો માટે પણ ઑફર આવે એવું ભૂમિ રાજગોરના કિસ્સામાં પણ બન્યું છે. તે કહે છે, ‘ઑફરોનો જાણે ઢગલો થયો છે એવું કહી શકાય. મને બૉલીવુડની ફિલ્મો માટે તેમ જ સાઉથની ફિલ્મો માટે ઑફરો આવી છે. ‘બિગ બૉસ’વાળા પણ પાછળ છે, પણ મારે હમણાં ટેલિવિઝન નથી કરવું. મને નવરાત્રિનો ગાંડો શોખ છે. મને મિત્રો ગરબા-ક્વીન તરીકે ઓળખે છે અને એનો ખિતાબ પણ મિત્રોએ આપ્યો છે. આ વખતે નવરાત્રિમાં દિલથી ગરબે ઘૂમવું છે. નવરાત્રિ બાદ મુંબઈ જવું છે, ત્યાં શિફ્ટ થવાની ઇચ્છા છે.’
મમ્મીના સૅલોંમાં કામ કરતી હેર ઍન્ડ મેકઅપ આર્ટિસ્ટ ભૂમિ રાજગોર બે ગુજરાતી, એક હિન્દી ફિલ્મમાં કામ કરી ચૂકી છે
સુપ્રિયા પાઠક સાથે
અમદાવાદમાં એશિયા ઇંગ્લિશ સ્કૂલ અને ત્યાર બાદ સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી પાસ આઉટ થઈને માસ્ટર ઇન પર્ફોર્મિંગ આર્ટનો અભ્યાસ કરનાર તેમ જ કથક નૃત્યમાં પારંગત ભૂમિ રાજગોર તેનાં મમ્મીની સૅલોંમાં કામ કરતી હતી. ભૂમિ કહે છે, ‘મારે નાનપણથી ઍક્ટ્રેસ બનવું હતું. મારું કોઈ ફિલ્મી બૅકગ્રાઉન્ડ નથી. મમ્મી સૅલોં ચલાવતાં હતાં, જે કોવિડમાં બંધ કર્યું. હું હેર ઍન્ડ મેકઅપ આર્ટિસ્ટ હતી અને મારી મમ્મીને મદદ કરતી હતી તેમ જ શૂટ પણ કરતી હતી. જાણીતા કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયા સર અને સુપ્રિયા પાઠક મૅમનું ‘કહેવતલાલ પરિવાર’નું શૂટ અમદાવાદમાં થવાનું હતું એ સમયે સુપ્રિયા મૅમને એવું હતું કે મને એક આર્ટિસ્ટ આપે જે હેર-મેકઅપમાં હેલ્પ કરે. એ કામ મને મળ્યું. અમે એક મહિનો સાથે ટાઇમ સ્પેન્ડ કર્યો. હું ઘરેથી ટિફિન લઈને જતી અને તેમને બહુ મજા આવી. એ સમયથી અમારું બૉન્ડિંગ થઈ ગયું.
સિદ્ધાર્થ રાંદેરિયા સાથે
મુંબઈમાં હું ઍક્ટિંગની વર્કશૉપ અટેન્ડ કરતી હતી એ દરમ્યાન ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’માં મને કામ મળ્યું. આ ફિલ્મ મારી પહેલી ગુજરાતી ફિલ્મ હતી. એ પછી મને કાર્તિક આર્યન અને કિયારા અડવાણીવાળી હિન્દી ફિલ્મ ‘સત્ય પ્રેમ કી કથા’ મળી. ત્યાર બાદ સિદ્ધાર્થ રાંદેરિયા સરે મને ‘હરિ ઓમ હરિ’ની વાત કરી હતી અને એ ફિલ્મ મેં સાઇન કરી હતી.’