02 May, 2023 03:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એસએસ રાજામૌલી
‘RRR’ અને ‘બાહુબલી’ના રચયિતા એસ. એસ. રાજામૌલીને મહિન્દ્ર ગ્રુપના ચૅરમૅન આનંદ મહિન્દ્રએ સલાહ આપી છે કે તેઓ પ્રાચીન સભ્યતા પર ફિલ્મ બનાવે. એસ. એસ. રાજામૌલીએ હડપ્પા, મોહેંજો દારો, ધોળાવીરા, લોથલ, કાલીબંગન, બનાવલી, રાખીગઢી, સુરકોટડા, ચાંહુ દારો અને રૂપરના ખૂબ જ આકર્ષક ફોટો ટ્વિટર પર શૅર કર્યા હતા. આ ફોટોને ટ્વિટર પર શૅર કરીને આનંદ મહિન્દ્રએ ટ્વીટ કર્યું કે ‘આ ખરેખર અદ્ભુત ઉદાહરણ છે જે આપણા ઇતિહાસને અને આપણી કલ્પનાને જીવિત કરે છે. એસ. એસ. રાજામૌલી, એ કાળને દર્શાવતી ફિલ્મ બનાવો જે પ્રાચીન સભ્યતા વિશે વિશ્વભરમાં સજાગતા લાવશે.’
તેમની સલાહને માન આપીને રિપ્લાય આપતાં એસ. એસ. રાજામૌલીએ ટ્વીટ કર્યું કે ‘યસ સર, ધોળાવીરામાં ‘મગધીરા’નું શૂટિંગ કરતી વખતે મેં ત્યાં એક પ્રાચીન વૃક્ષ જોયું હતું જે હવે એક ખનીજ બની ગયું છે. એ વખતે મને પ્રાચીન સભ્યતાના ઉતાર-ચડાવ પર ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો હતો, એની સ્ટોરી એ વૃક્ષ વ્યક્ત કરે છે. થોડાં વર્ષો અગાઉ હું પાકિસ્તાન ગયો હતો. મોહેંજો દારોની મુલાકાત લેવાનો મેં ખૂબ પ્રયાસ કર્યો હતો. દુ:ખદ બાબત એ છે કે મને એની મંજૂરી ન મળી.’