20 February, 2023 05:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એસ. એસ. રાજામૌલી
એસ. એસ. રાજામૌલીએ જણાવ્યું છે કે ‘RSS’ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પિતા વિજયેન્દ્ર પ્રસાદે લખેલી સ્ક્રિપ્ટ કોઈ વ્યક્તિ માટે કે પછી પ્રોડ્યુસર માટે લખાયેલી છે એની તેમને જાણ નથી. ગયા વર્ષે વિજયેન્દ્ર પ્રસાદને રાજ્યસભાના સદસ્ય બનાવવામાં આવ્યા છે. તેમણે ગયા વર્ષે જણાવ્યું હતું કે તેઓ RSSને લઈને ફિલ્મ અને વેબ-સિરીઝ બન્ને માટે કામ કરવાના છે. RSS વિશે એસ. એસ. રાજામૌલીએ કહ્યું કે ‘મેં આ સંઘ વિશે તો સાંભળ્યું છે, પરંતુ એની સ્થાપના અને તેમનાં મૂલ્યો અને કઈ રીતે એ વિકસિત થઈ એ વિશેની ચોક્કસ માહિતી મને નથી.’
પિતાએ લખેલી સ્ક્રિપ્ટ વિશે એસ. એસ. રાજામૌલીએ કહ્યું કે ‘એ ખરેખર ઇમોશનલ છે. એ વાંચતી વખતે ઘણી વખત હું રડ્યો હતો. આ ફિલ્મને હું ડિરેક્ટ કરીશ કે નહીં એની જાણ નથી, કારણ કે હું નથી જાણતો કે મારા પિતાએ આ સ્ક્રિપ્ટ કોઈ સંસ્થા, લોકો કે પછી કોઈ પ્રોડ્યુસર માટે લખી છે. એ સવાલનો તો મારી પાસે પણ જવાબ નથી. જો મને ડિરેક્ટ કરવાની તક મળે તો મારા માટે સન્માનની વાત રહેશે કેમ કે એ ખૂબ જ સુંદર, માનવતા અને ઇમોશનથી ભરેલો ડ્રામા છે. એની પૉઝિટિવ કે નેગેટિવ અસર થશે એ વિશે હું ચોક્કસ કાંઈ ન કહી શકું.’