02 March, 2023 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એસ. એસ. રાજામૌલી
‘RRR’ના કર્તાહર્તા એસ. એસ. રાજામૌલી જણાવે છે કે તેમની ફિલ્મોમાં કોઈ છુપાયેલો એેજન્ડા નથી હોતો. સાથે જ તેમનું એવું પણ માનવું છે કે ધર્મ એક પ્રકારે શોષણ છે. તેઓ ધર્મ કે પછી પૂજાપાઠમાં નથી માનતા. જોકે તેમનો ઉછેર એક ધાર્મિક પરિવારમાં થયો હતો. તેમની ‘RRR’ આજે દેશવિદેશમાં ધૂમ મચાવી રહી છે. ઇન્ટરનૅશનલ સ્તરે એને અનેક અવૉર્ડ્સ પણ મળ્યા છે અને હવે તેમની નજર ઑસ્કર અવૉર્ડ મેળવવાની છે. એમાં આ ફિલ્મને નૉમિનેશન મળ્યું છે. તેમને પૂછવામાં આવ્યું હતું કે શું તેમની ફિલ્મો પાછળ કોઈ એજન્ડા હોય છે? એનો જવાબ આપતાં એસ. એસ. રાજામૌલીએ કહ્યું કે ‘મારો એવો કોઈ છુપાયેલો એજન્ડા નથી. હું એવા લોકો માટે ફિલ્મો બનાવું છું જે પોતાની મહેનતની કમાણીનો પૈસો મારી ફિલ્મો જોવા માટે ટિકિટ પર ખર્ચ કરે છે. મને તેમને મનોરંજન પૂરું પાડવું, તેમને પાત્રો અને સ્થિતિમાં ઊંડા ઉતારવા ગમે છે. તેઓ સારી રીતે સમય પસાર કરે, ઘરે પાછા જાય અને પોતાની લાઇફ જીવે.’
તેમને એમ પણ પૂછવામાં આવ્યું હતું કે શું તેમને કદી પણ ઍન્ટિમુસ્લિમ અથવા નૅશનલિસ્ટ, બીજેપી સપોર્ટર્સ કે પછી આરએસએસ દ્વારા દબાણ આપવામાં આવ્યું છે. એનો જવાબ આપતાં એસ. એસ. રાજામૌલીએ કહ્યું કે ‘ના, કદી પણ નહીં. એજન્ડા ભલે કાંઈ પણ હોય, પરંતુ મને કોઈએ પણ એજન્ડા ફિલ્મ બનાવવા માટે અપ્રોચ નથી કર્યો. હું પોતાની જાતને હિન્દુ અથવા ખોટા લિબરલ પ્રચારથી દૂર રાખું છું. હું જાણું છું કે એવા ગ્રુપના પણ લોકો મારા દર્શકો છે. જોકે હું તેમને એન્ટરટેઇન નથી કરતો. હું માત્ર દર્શકોની સંવેદનશીલ લાગણીઓને મહત્ત્વ આપું છું.’