05 January, 2023 08:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સોનુ સૂદ (તસવીર સૌજન્ય મિડ-ડે)
સોનુ સૂદે (Sonu Sood) માફી માગી લીધી છે. હા, બૉલિવૂડ એક્ટરે એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે ટ્રેનના દરવાજે બેસીના પ્રવાસ કરતો જોવા મળ્યો હતો. વીડિયો વાયરલ થતા ભારતીય રેલવેએ ટ્વીટ કરીને સોનુ સૂદના આ વર્તનની નિંદા કરી. એ પણ કહી દીધું કે તમે રોલ મૉડલ છો, તમે આમ કરશો તો ચાહકો વચ્ચે ખોટો સંદેશ જશે. વાત પણ બરાબર છે. એવામાં સોનુ સૂદે પણ તરત ટ્વીટ કરીને રેલવે વિભાગની માફી માગી લીધી. માન્યું કે તેણે ભૂલ કરી છે. હવે તેના વખાણ પણ થઈ રહ્યા છે. પણ જો તમે સોનુ સૂદનું માફીનામું ધરાવતું ટ્વીટ વાંચશો અને ધ્યાન આપશો તો તમને સમજાશે કે તેણે માફી માગી છે અને સાથે જ ઈન્ડિયન રેલવેને અરીસો પણ બતાવી દીધો છે.
સોનુ સૂદે Sonu Sood આ વીડિયો 13 ડિસેમ્બરના પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શૅર કર્યો હતો. વીડિયોમાં સોનુ સૂદ ઝડપી ગતિએ દોડતી ટ્રેનના ગેટ પર બેસીને પ્રવાસ કરતો જોવા મળ્યો છે. સોનુ સૂદના આ વીડિયો પર ઉત્તર રેલવેએ નારાજગી વ્યક્ત કરી. કહ્યું કે આ ખૂબ જ જોખમી છે. રેલવેએ સોનુ સૂદના વીડિયોને રીટ્વીટ કરતા લખ્યું, "પ્રિય સોનુ સૂદ, દેશ અને વિશ્વના લાખો લોકો માટે તમે એક આદર્શ છો. ટ્રેનના પગથિયા નજીક બેસીને પ્રવાસ કરવું જોખમી છે. આ પ્રકારના વીડિયોથી તમારા ચાહકોમાં ખોટો મેસેજ જઈ શકે છે. કૃપયા આવું ન કરો! સુગમ તેમજ સુરક્ષિત યાત્રાનો આનંદ ઉઠાવો."
ઉત્તર રેલવે બાદ રેલવે પોલીસે પણ કરી નિંદા
રેલવેના ટ્વીટ બાદ સોશિયલ મીડિયાની જનતા પણ ફરી. જે લોકો પહેલા સોનુ સૂદની સ્ટાઈલના વખાણ કરી રહ્યા હતા, તેમણે હવે એ કહેવાનું શરૂ કર્યું કે એક્ટરનું આ વર્તન ગેરજવાબદારીભર્યું હતું. એટલું જ નહીં, મુંબઈ રેલવે પોલીસે પણ સોનુ સૂદની નિંદા કરી. જીઆપી મુંબઈએ ટ્વીટ પર રિપ્લાય કરતા લખ્યું, `ફૂટબોર્ડ પર પ્રવાસ કરવો ફિલ્મોમાં મનોરંજનની રીત હોઈ શકે છે, પણ રિયલ લાઈફમાં નહીં. આવો બધા સુરક્ષા નિર્દેશોનું પાલન કરીએ અને બધાને `હેપ્પી ન્યૂ યર` થાય તેવી જોગવાઈ કરીએ.`
સોનુએ હાથ જોડીને માગી માફી
રેલવેની નિંદા અને રેલવે પોલીસની વાત પર સોનુ સૂદે તક મળતા જ ટ્વીટ કરીને માફી માગી લીધી છે. એક્ટરે હાથ જોડનાર ઈમોજી સાથે ટ્વીટ કર્યું, `ક્ષમા પ્રાર્થી. બસ એમ જ બેસી ગયો હતો એ જોવા, કેવું અનુભવતા હશે તે લાખો ગરીબો જેમનું જીવન આજે પણ ટ્રેનના દરવાજા પર જ પસાર થાય છે. આભાર આ સંદેશ માટે અને દેશની રેલ વ્યવસ્થા બહેતર બનાવવા માટે.`
177 વર્ષ પસાર થઈ ગયા, દરેક પ્રવાસીને અત્યાર સુધી સીટ નથી
હવે પહેલી નજરમાં આ જરૂરી લાગે છે કે સોનુ સૂદે ફક્ત માફી માગી છે. પણ જરાક ધ્યાન આપવામાં આવે તો આ બહાને એક્ટરે ભારતીય રેલવેને અરીસો પણ બતાવ્યો છે. રેલવેમાં પ્રવાસીઓની સતત વધતી સંખ્યા છતાં સગવડમાં કોઈ નવી વાત નથી. આ રસપ્રદ છે કે દેશમાં 177 વર્ષ પહેલા ભારતીય રેલની શરૂઆત થઈ હતી. ત્યારથી અત્યાર સુધી દેશ આઝાદ થયો, સરકારો આવી અને ગઈ. પણ ટ્રેનમાં પ્રવાસ કરતાં દરેક પ્રવાસીને એક સીટ સુરક્ષિત મળી જાય, રેલવે એ હજી પણ નક્કી નથી કરી શકી.
આ પણ વાંચો : સોનુ સૂદનો વીડિયો વાયરલ, ટ્રેનના દરવાજા નજીક બેસી કર્યો પ્રવાસ
ટ્રેનના દરવાજા છોડો, ટૉયલેટમાં બેસીને પ્રવાસ કરે છે લોકો
એક રિપૉર્ટ પ્રમાણે, વર્ષ 2020માં ભારતીય રેલથી 808.6 કરોડ પ્રવાસીઓએ પ્રવાસ કર્યો. જાહેર છે કે છેલ્લા બે વર્ષમાં આ સંખ્યા હજી વધી હશે. જો તમે રેલમાંથી પ્રવાસ કર્યો છે તો સ્લીપર કોચ અને જનરલ કોચની સ્થિતિ જાણતા હશો. જ્યારે સમય સાથે પ્રવાસી ભાડું વધ્યું છે. એ વાત પણ હકિકત છે કે સમય સાથે 31 માર્ચ 2022 સુધી ભારતીય રેલવે દેશમાં કુલ 68,103 કિમીના પ્રવાસ પર લોકો લઈ જાય છે. પણ આ પણ હકિકત છે કે એક ગરીબ માણસ, જે જનરલ કોચનું ભાડું પણ મોટી મુશ્કેલથી ભેગું કરી શકે છે, તે આજે પણ ટ્રેનના કોચના દરવાજાથી લઈને બાથરૂમમાં બેસીને પ્રવાસ કરવા માટે મજબૂર છે. કેટલાક એવા જ, જે રીતે સોનુ સૂદ વીડિયોમાં કરી રહ્યા હતા. ફરક એટલો જ છે કે સોનુ સૂદ આ પોતાની ખુશીથી કરી રહ્યા હતા, પણ સામાન્ય જનતા મજબૂરીમાં કરે છે.