24 October, 2024 07:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનમ કપૂર અને આનંદ આહુજા
ઍક્ટ્રેસ સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજાએ સાથે મળીને સાઉથ મુંબઈમાં આવેલા અને ૨૦૧૮થી બંધ પડેલા રિધમ હાઉસ સ્ટોરને ૪૭.૮૪ કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે. સોનમ અને આનંદની કંપની ભાને ગ્રુપે આ પ્રૉપર્ટી ખરીદી છે.
૩૬૦૦ સ્ક્વેરફુટમાં આવેલા આ સ્ટોરને ૨૦૧૭માં નીરવ મોદીની ફાયરસ્ટાર ઇન્ટરનૅશનલ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા કરમાલી પરિવાર પાસેથી ખરીદવામાં આવ્યો હતો. જોકે અબજો રૂપિયાની લોનની ચુકવણીમાં ડિફૉલ્ટ થયા બાદ ૨૦૧૮માં આ સ્ટોર બંધ કરી દેવાયો હતો.
ઇન્ડિયન બૅન્કરપ્સી કોર્ટ દ્વારા નિયુક્ત રેઝોલ્યુશન પ્રોફેશનલે આ સ્ટોરના વેચાણના સોદા પર દેખરેખ રાખી હતી. આ સોદો થયો હોવાનું તેમણે કન્ફર્મ કર્યું હતું, પણ સોદો કેટલા રૂપિયામાં થયો છે એની વિગતો આપી નહોતી.
ભાને ગ્રુપ પોતાના ફૅશન-લેબલ હેઠળ કપડાં તૈયાર કરે છે. શાહી એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડની માલિકી આનંદ આહુજાના પિતા હરીશ આહુજાની છે. રિધમ હાઉસની સ્થાપના ૧૯૪૦માં થઈ હતી અને મ્યુઝિકલવર્સ અહીં વિનાઇલ રેકૉર્ડ્સ, કૅસેટ્સ અને કૉમ્પૅક્ટ ડિસ્ક ખરીદવા આવતા હતા. આ સ્ટોરમાં જાણીતા મ્યુઝિશ્યનો પણ આવતા હતા. આ સ્ટોર મ્યુઝિકલવર્સનો માનીતો સ્ટોર હતો, પણ ૧૯૯૦માં મ્યુઝિક-પાઇરસી અને પછી ડિજિટલ ક્રાન્તિને કારણે એનાં વળતાં પાણી થયાં હતાં.