15 May, 2023 04:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનાક્ષી સિંહા
સોનાક્ષી સિંહાએ નક્કી કર્યું છે કે ‘યે મેરા માલ હૈ’ જેવા ડાયલૉગ્સવાળી ફિલ્મો તે હવે નહીં કરે. આ ડાયલૉગ તેની ૨૦૧૨માં આવેલી ‘રાઉડી રાઠોડ’નો હતો. એમાં અક્ષયકુમાર સોનાક્ષીને આ ડાયલૉગ બોલે છે. જોકે એ વખતે સોનાક્ષીને એટલી સૂઝબુજ નહોતી એવું તેનું કહેવું છે. એ ડાયલૉગને લઈને સોનાક્ષીએ કહ્યું કે ‘આજે હું જ્યાં પહોંચી છું ત્યાં હું હવે આવું કામ નહીં કરું. એ વખતે હું ખૂબ યંગ હતી કે એ દિશામાં વિચારી નહોતી શકતી. મારા માટે તો એટલું જ પૂરતું હતું કે હું પ્રભુ દેવા અને અક્ષયકુમાર સાથે કામ કરી રહી છું. તો પછી તેમની સાથે કામ કરવાની કોણ ના પાડી શકે? સંજય લીલા ભણસાલીએ પ્રોડ્યુસ કરી તો કોણ ના પાડે? એ વખતે હું એના વિશે વિચારી નહોતી શકતી. આજે જો હું એવી કોઈ સ્ક્રિપ્ટ વાંચું તો હું એ નહીં કરું. સમય સાથે સ્થિતિ બદલાઈ છે. હું પણ બદલાઈ છું. લોકો હંમેશાં મને જ દોષ આપતા હતા. મહિલાઓને જ વિલન સમજવામાં આવે છે. જેણે લાઇન્સ લખી છે એ રાઇટર વિશે કોઈ નહીં બોલે, ફિલ્મ ડિરેક્ટરને પણ સવાલ નહીં કરવામાં આવે.’