03 March, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનાક્ષી સિંહા (ડાબે પહેલાની તસવીર, જમણે હમણાંની તસવીર)
સોનાક્ષી સિંહાની ગણતરી સારી ઍક્ટ્રેસ તરીકે થાય છે, પણ તેનો લુક ક્યારેય પરંપરાગત હિરોઇન જેવો સ્લિમટ્રિમ નથી રહ્યો. સોનાક્ષી ઍક્ટ્રેસ બની એ પહેલાં તેનું વજન ૯૦ કિલો જેટલું હતું, પણ ઍક્ટ્રેસ બનવા માટે તેણે પોતાનું વજન ઘટાડીને ૬૦ કિલો જેટલું કરી નાખ્યું હતું. સોનાક્ષીને તેની કરીઅરના શરૂઆતના દિવસોમાં વજનને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં એક ઇન્ટરવ્યુમાં સોનાક્ષીએ ખુલાસો કર્યો કે વજન વધારે હોવાને કારણે તેને લીડ રોલ નહોતો મળ્યો અને સપોર્ટિંગ રોલ માટે ઑફર કરવામાં આવ્યો.
સોનાક્ષીએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘એક વખત વધારે પડતા વજનને કારણે મને લીડ રોલ માટે યોગ્ય નહોતી ગણવામાં આવી જેને કારણે હું ઘરે આવીને રડી પડી હતી. મને કહેવામાં આવ્યું હતું કે હું લીડ રોલમાં સારી નહીં લાગું અને મને નાનો રોલ ઑફર કરવામાં આવ્યો હતો. એ સમયે મને બહુ ખરાબ લાગ્યું હતું અને હું ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી. હું જ્યારે આવી હાલતમાં ઘરે ગઈ ત્યારે મારાં માસી ત્યાં હતાં. હું તેને વળગીને બહુ રડી હતી.’
લીડ ઍક્ટ્રેસ તરીકે રિજેક્શન મળ્યું ત્યારે અનુભવેલી લાગણી વિશે સોનાક્ષીએ કહ્યું કે ‘મને લાગ્યું કે ભગવાને મારા સાથે આવું કેમ કર્યું? મને આવી કેમ બનાવી. આ વિચારો કરીને હું બહુ રડી હતી, પણ બીજા દિવસે હું નૉર્મલ થઈ ગઈ હતી.’