શહનાઝની ટૅલન્ટ પર સવાલ કરનાર સોના મોહપાત્રાનો ફૅન્સે ઊધડો લીધો

28 February, 2023 12:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાતની શરૂઆત ત્યારથી થાય છે જ્યારે શહનાઝે એક ઇવેન્ટમાં અઝાનનો અવાજ આવતાં જ થોડા સમય માટે કાર્યક્રમમાં પોતાનું ગીત બંધ કર્યું હતું

શહનાઝની ટૅલન્ટ પર સવાલ કરનાર સોના મોહપાત્રાનો ફૅન્સે ઊધડો લીધો

સિંગર સોના મોહપાત્રાએ સોશ્યલ મીડિયામાં શહનાઝ ગિલની ટૅલન્ટ પર સવાલ કરતાં ફૅન્સે તેનો ઊધડો લેવાનું શરૂ કરી દીધું હતું. વાતની શરૂઆત ત્યારથી થાય છે જ્યારે શહનાઝે એક ઇવેન્ટમાં અઝાનનો અવાજ આવતાં જ થોડા સમય માટે કાર્યક્રમમાં પોતાનું ગીત બંધ કર્યું હતું. એથી શહનાઝની ખૂબ પ્રશંસા થઈ રહી છે. તેણે જે પ્રકારે અઝાન પ્રત્યે સન્માન દેખાડ્યું એને લઈને ટ્વિટર પર સોના મોહપાત્રાએ ટ્વીટ કર્યું કે ‘શહનાઝે જે પ્રકારે સન્માન આપ્યું છે એનાથી મને સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટમાં સંડોવાયેલા સાજિદ ખાનને નૅશનલ ટીવી પર જે પ્રકારે તેણે માન આપ્યું, તેને સપોર્ટ કર્યો અને તેનાં ગુણગાન ગાયાં હતાં એની યાદ આવી ગઈ છે. કાશ તેણે #MeeTooનો ભોગ બનેલી તેની બહેનોને પણ સાથ આપ્યો હોત.’

તેના આ ટ્વીટ પર લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. સોશ્યલ મીડિયા યુઝરે લખ્યું કે ‘મિસ મોહપાત્રા, તને ટ્રોલ કરવામાં આવે છે. તેના દ્વારા તને ઉકસાવવામાં નથી આવી આમ છતાં તેં તેના પર પ્રહાર કર્યો છે. અમે તેના ફૅન્સ છીએ. તે જે પણ છે અમને તેના પર પ્રેમ છે. તેની અદ્ભુત પર્સનાલિટીને કારણે આજે તેણે મિલ્યન લોકોનાં દિલ જીતી લીધાં છે.’

તો અન્યએ લખ્યું કે ‘બનાવટી ફેમિનિઝમની આડશમાં અન્ય મહિલાઓને નીચી દેખાડવી એ વર્તમાનમાં કેટલીક મહિલાઓનું દરરોજનું કામ બની ગયુ છે અને તું પણ એમાંથી બાકાત નથી. બધી મહિલાઓ પોતાની લડત કોઈની પણ મદદ માગ્યા વિના લડતી હોય છે. એથી અસ્થાયી પ્રસિદ્ધિ મેળવવા માટે અન્યને તકલીફ પહોંચાડવાને બદલે તું તારા કામ પર જ ધ્યાન આપે એ અગત્યનું છે.’

ટ્રોલ થયા બાદ સોના મોહપાત્રાએ વધુ એક ટ્વીટ કર્યું કે ‘પ્યારા ટ્રોલ્સ જૅકલિન જેવી વધુ એક ઍક્ટ્રેસને સપોર્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મને જાણ નથી કે શહનાઝમાં એવી તે કઈ ખાસ ટૅલન્ટ છે. હાલમાં તો તે એક ટીવી રિયલિટી શો સિવાય કાંઈ નથી પરંતુ એ મહિલાઓનાં કામકાજની રીતભાત જાણું છું જે શૉર્ટકટથી પૈસા કમાય છે.’

entertainment news bollywood news sona mohapatra shehnaaz gill