05 October, 2025 10:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્મૃતિ ઈરાની અને કંગના રનૌત
સ્મૃતિ ઈરાનીએ ગઈ કાલે ડિઝાઇનર ગૌરાંગ શાહ માટે બાંદરા-ઈસ્ટમાં આવેલી ગ્રૅન્ડ હયાતમાં યોજાયેલા બૉમ્બે ટાઇમ્સ ફૅશન વીક 2025માં રૅમ્પ-વૉક કરીને બધાને સરપ્રાઇઝ આપી હતી. આ રૅમ્પ-વૉક કરતી વખતે સ્મૃતિએ પર્પલ સાડી પહેરી હતી અને હાથમાં અળતો હતો. સાદી પોનીટેઇલ અને ચશ્માં પહેરીને રૅમ્પ પર ઊતરેલાં સ્મૃતિએ પોતાની સાદગીથી બધાનાં દિલ જીતી લીધાં હતાં. ખાસ વાત તો એ છે કે આ રૅમ્પ-વૉક કરતી વખતે સ્મૃતિએ ખુલ્લા પગે ચાલવાનું પસંદ કર્યું હતું.
કંગના રનૌતે હાલમાં તેના મિત્ર ડિઝાઇનર ‘રાબ્તા બાય રાહુલ’ના નવા બ્રાઇડલ જ્વેલરી કલેક્શન ‘સલ્તનત’ માટે રૅમ્પ-વૉક કર્યું હતું. આ રૅમ્પ-વૉકમાં કંગનાએ સોના અને પન્નાની જ્વેલરી પહેરી હતી. કંગના આ શોમાં શો-સ્ટૉપર બની હતી અને તેણે આ શો માટે એકદમ રૉયલ લુક અપનાવ્યો હતો. આ રૅમ્પ-વૉક કર્યા પછી કંગનાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘મારી મિત્રો અને બધા યુવાઓને વિનંતી છે કે હવે આપણે આત્મનિર્ભર ભારત તરફ આગળ વધવું જોઈએ. આપણે પોતાની સંસ્કૃતિ અને લોકોને કેવી રીતે પ્રોત્સાહન આપી શકીએ એ વાત પર ધ્યાન આપવું જોઈએ.’