06 April, 2024 07:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્મૃતિ ઈરાની
સ્મૃતિ ઈરાનીનું કહેવું છે કે તેમણે ફરહાન અખ્તરની ‘દિલ ચાહતા હૈ’ માટે ઑડિશન આપવાની ના પાડી હતી. તેમ જ પાનમસાલાની ઍડ અને લગ્નમાં ડાન્સ કરવાની પણ તેમણે ના પાડી દીધી હતી. ઍક્ટરમાંથી પૉલિટિશ્યન બનેલાં સ્મૃતિ ઇરાની ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’ દ્વારા ઘર-ઘરમાં જાણીતું નામ બન્યાં હતાં. આ વિશે સ્મૃતિ ઈરાની કહે છે, ‘મેં જ્યારે ઇન્ડિયન ટેલિવિઝન છોડ્યું ત્યારે હું સૌથી વધુ પૈસા ચાર્જ કરનારી વ્યક્તિ હતી. જોકે એમ છતાં મારી કેટલીક શરતો હતી. મેં ઘણી તકો પણ છોડી હતી. પાનમસાલા ઍડ નહીં કરવાને કારણે મેં કામ કરવાની ઘણી તક છોડી હતી. હું ખૂબ જ ચોક્કસ હતી કે મારે મારી જાતને આ રીતે રજૂ નથી કરવી. હું લગ્નમાં નહીં જાઉં. એમાં ઘણા પૈસા છે, પરંતુ પ્રોફેશનલ તરીકે મેં મારી જાતને એક અલગ રીતે જોઈ હતી. મારી ફૅમિલી માટે શરમજનક પરિસ્થિતિ મારે નહોતી ઊભી કરવી એથી હું એક ઍક્ટર તરીકે ખૂબ જ સારું જીવન પસાર કરવા માગતી હતી. મને ઘણી ફિલ્મો ઑફર થઈ હતી. ‘ક્યોંકિ સાસ...’ના ત્રણ મહિનામાં મને ફિલ્મમાં મેઇન લીડની ઑફર મળી હતી, પરંતુ મેં બાળકને જન્મ આપવાનું નક્કી કર્યું. મને ખબર હતી કે હું બાળકને જન્મ આપીશ તો પછી હિરોઇન નહીં બની શકું. આમાંની એક ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ પણ હતી. મેં ઑડિશન આપવાની ના પાડી હતી અને એથી ફિલ્મ માટે ના પાડી હોવાથી તેઓ આશ્ચર્યમાં પડી ગયા હતા. આ પ્રીતિ ઝિન્ટાનો રોલ નહોતો, પરંતુ અન્ય મેઇન લીડનો રોલ હતો.’