બૉલીવુડની ફિલ્મોની નિષ્ફળતા માટે OTT પ્લૅટફૉર્મ્સ જવાબદાર

23 January, 2025 09:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સતત નિષ્ફળ ફિલ્મો આપી રહેલા અક્ષય કુમારે દોષનો ટોપલો ઢોળતાં કહ્યું કે...

અક્ષય કુમાર

અક્ષય કુમાર હાલમાં કરીઅરના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને લાંબા સમયથી તેણે સફળતાનો સ્વાદ નથી ચાખ્યો. હાલમાં એક ઇન્ટરવ્યુમાં અક્ષય કુમારે જેટલી હિન્દી ફિલ્મો બની રહી છે એમાંથી બહુ ઓછી ફિલ્મો સફળ થઈ રહી છે એવી પરિસ્થિતિ સર્જાવા માટેનાં કારણોની સમીક્ષા કરી હતી. અક્ષયે જણાવ્યું હતું કે ઓવર ધ  ટૉપ (OTT) પ્લૅટફૉર્મ્સના ઉદય અને લોકપ્રિયતાની ફિલ્મ-ઇન્ડસ્ટ્રી પર અસર થઈ છે. મોટા ભાગની ફિલ્મની નિષ્ફળતા પાછળ આ સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ્સની સફળતા મોટું કારણ છે.

અક્ષય કુમારે પોતાના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘હું એવા ઘણા લોકોને મળ્યો છું જેઓ કહે છે કે તેઓ ફિલ્મ OTT પ્લૅટફૉર્મ પર જોઈ લેશે. બૉલીવુડની અત્યારની સ્થિતિ પાછળ આ કારણનો મોટો ફાળો છે. કોવિડકાળ વખતે લોકોને પોતાના ઘરમાં ફિલ્મો જોવાની આદત પડી ગઈ હતી અને તેમની એ આદત હજી પણ જળવાયેલી છે. હવે OTT પ્લૅટફૉર્મ તેમની આદત બની ગયાં છે. કોરોનાકાળે બૉલીવુડની ગણતરીઓ ખોટી પાડી દીધી છે. ઑડિયન્સ હવે ફિલ્મની પસંદગીના મામલે વધારે સિલેક્ટિવ બની ગઈ છે. લોકો હવે સંપૂર્ણ સંતોષ આપે એવી જ ફિલ્મો થિયેટરમાં જોવાનું પસંદ કરે છે.’

અક્ષય કુમાર હાલમાં તેની ફિલ્મ ‘સ્કાય ફોર્સ’નું પ્રમોશન કરી રહ્યો છે. આ પહેલાં ૨૦૨૪માં તે ‘ખેલ ખેલ મેં’, ‘સરફિરા’ અને ‘બડે મિયાં છોટે મિયાં’ જેવી ફિલ્મોમાં લીડ રોલમાં જોવા મળ્યો હતો, પણ એ ફિલ્મોને સફળતા નહોતી મળી. ૨૦૨૩માં પણ અક્ષય કુમારની ‘સેલ્ફી’ અને ‘મિશન રાનીગંજ’ બૉક્સ-ઑફિસ પર પિટાઈ ગઈ હતી. જોકે પંકજ ત્રિપાઠીને લીડ રોલમાં ચમકાવતી તેની ‘OMG 2’ સફળ રહી હતી.

akshay kumar upcoming movie entertainment news bollywood bollywood news bollywood gossips