`સિર્ફ એક બંદા કાફી હૈ` વેબ–ફિલ્મ રિવ્યુ : સિર્ફ મનોજ બાજપાઈ કાફી હૈ

24 May, 2023 02:36 PM IST  |  Mumbai | Harsh Desai

સ્ટોરી અને ડિરેક્શનમાં ઘણાં લૂપહોલ્સ છે, પરંતુ મનોજ બાજપાઈનો પર્ફોર્મન્સ બધું નજરઅંદાજ કરાવી દે છે : ‘આશ્રમ’માં જે રીતે બાપુનાં કુકર્મો દેખાડવામાં આવ્યાં હતાં એ જ રીતે આ ફિલ્મમાં પણ દેખાડી શકાયાં હોત

મનોજ બાજપાઈ

સિર્ફ એક બંદા કાફી હૈ

કાસ્ટ : મનોજ બાજપાઈ, અદ્રિજા, વિપિન શર્મા, સૂર્ય મોહન કુલશ્રેષ્ઠા

ડિરેક્ટર : અપૂર્વ સિંહ કાર્કી

સ્ટાર : સાડાત્રણ સ્ટાર (ટાઇમ પાસ)

મનોજ બાજપાઈની ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ ફિલ્મ ગઈ કાલે ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ છે. આ ફિલ્મને અપૂર્વ સિંહ કાર્કીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મની સ્ટોરી આસારામ બાપુના કેસ પરથી પ્રેરિત થઈને બનાવવામાં આવી છે. જોકે એને ફિક્શન સ્ટોરી કરી નાખવામાં આવી છે અને એમાં કોઈ સાચા નામનો ઉપયોગ કરવામાં નથી આવ્યો.

સ્ટોરી ટાઇમ

ફિલ્મની સ્ટોરી નુ નામની ટીનેજરની આસપાસ ફરે છે. તે પોલીસ-સ્ટેશનમાં ગૉડમૅન એટલે કે બાપુ વિરુદ્ધ એફઆઇઆર ફાઇલ કરે છે. તેનો આરોપ હોય છે કે બાપુએ તેના પર બળાત્કાર કર્યો છે. તેની ઉંમર નાની હોવાથી આ કેસ પૉક્સોમાં જાય છે અને ત્યાર બાદ કોર્ટરૂમ-ડ્રામા શરૂ થાય છે. આ કેસ પહેલાં અન્ય વકીલને સોંપવામાં આવે છે, પરંતુ તે બાપુ પાસે ૧૦ કરોડ રૂપિયા ખાઈને કેસ દબાવી દેવા માગે છે. ત્યાર બાદ આ કેસ પી. સી. સોલંકી એટલે કે મનોજ બાજપાઈને મળે છે. તે એક સિમ્પલ વ્યક્તિ હોય છે, પરંતુ તે કેવી રીતે આ હાઈ-પ્રોફાઇલ કેસને હૅન્ડલ કરે છે એના પર આખી સ્ટોરી છે.

આ પણ વાંચો : ‘બંદા’ને મળ્યું સ્ટૅન્ડિંગ ઓવેશન

સ્ક્રિપ્ટ અને ડિરેક્શન

ફિલ્મની સ્ટોરી દીપક કંગરાની દ્વારા લખવામાં આવી છે. આ ફિલ્મની સ્ટોરી એમ તો બાપુએ કરેલા બળાત્કાર પર છે, પરંતુ એ બળાત્કારનો ભોગ બનેલી છોકરીનો કેસ લડતા વકીલની આસપાસ ફરી રહ્યો છે. આ સ્ટોરીમાં ઘણાં લૂપહોલ્સ છે, પરંતુ મનોજ બાજપાઈ જેવા ઍક્ટરને કારણે એ નજરઅંદાજ થઈ જાય છે. સ્ટોરીમાં બાબા આશ્રમમાં શું કરે છે એ પણ દેખાડી શકાયું હોત, જે બૉબી દેઓલના ‘આશ્રમ’માં દેખાડવામાં આવ્યું હતું તેમ જ નુની ફૅમિલીને પણ ઉપરછલ્લી દેખાડવામાં આવી છે. એ જ રીતે પી. સી. સોલંકીની સ્ટોરી પણ દેખાડી શકાઈ હોત. જોકે કોર્ટકેસને લખવામાં રાઇટરની કમાલ છે. અપૂર્વનું ડિરેક્શન ખૂબ સિમ્પલ છે. આ સ્ટોરીને ધ્યાનમાં રાખતાં એને સિમ્પલ રાખવું જરૂરી છે. અપૂર્વે કેટલાંક દૃશ્યને ખૂબ સારી રીતે દેખાડ્યાં છે. ખાસ કરીને મનોજ બાજપાઈ જ્યારે તેના ઘરમાં પૂજા કરતો હોય ત્યારે તેનો દીકરો પણ શિવલિંગ પર દૂધનો અભિષેક કરવા આવે છે એ દૃશ્ય સિમ્પલ હોવા છતાં એટલું જ અસરદાર અને રમૂજી છે. અપૂર્વને પણ તેના ડિરેક્શનમાં મનોજ બાજપાઈના પર્ફોર્મન્સને લઈને ઘણો ફાયદો થયો છે.

પર્ફોર્મન્સ

ફિલ્મમાં જો કંઈ સૌથી મહત્ત્વનું હોય તો મનોજ બાજપાઈનું પાત્ર છે. મનોજ બાજપાઈ એક સિમ્પલ વ્યક્તિ તરીકે જોવા મળી રહ્યો છે. એમ છતાં કોર્ટમાં જ્યારે મોટા-મોટા દિગ્ગજ એટલે કે નામચીન વકીલ આવે ત્યારે તેની બૉડી-લૅન્ગ્વેજ અલગ થઈ જાય છે. તે જ્યારે શાંતિથી બેઠો હોય ત્યારે તેની બૉડી-લૅન્ગ્વેજ અલગ હોય છે અને તે જ્યારે કેસ લડવા આવે ત્યારે જે બૉડી-લૅન્ગ્વેજ હોય એ દરેકમાં ગજબનો તફાવત છે અને એ મનોજ બાજપાઈ જેવો ઍક્ટર જ કરી શકે છે. મનોજ બાજપાઈ સાથે અદ્રિજાએ પણ સારું કામ કર્યું છે. તેને જેટલો સમય મળ્યો સ્ક્રીન પર એમાં તેણે સારું કામ કર્યું છે અને તેની હિંમત પણ જોઈ શકાય છે. આ સાથે જ વિપિન શર્મા, સૂર્ય મોહન કુલશ્રેષ્ઠા અને અન્યોને પણ આપવામાં આવેલું કામ તેમણે સારી રીતે ભજવ્યું છે.

આખરી સલામ

આ ફિલ્મનો જો કોઈ બંદા હોય જે​ ફિલ્મને પોતાના ખભા પર ઉઠાવી શકે તો એ મનોજ બાજપાઈ છે. ​‘પિન્ક’ બાદ જો કોઈ સારો કોર્ટરૂમ-ડ્રામા બન્યો હોય તો એ આ ફિલ્મ છે. 

entertainment news movie review film review bollywood movie review manoj bajpayee harsh desai