19 November, 2024 09:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘સિંઘમ અગેઇન’ અને ‘ભૂલભુલૈયા 3` ફિલ્મનું પોસ્ટર
ત્રીજા અઠવાડિયાના રવિવાર સુધીમાં ‘સિંઘમ અગેઇન’ અને ‘ભૂલભુલૈયા 3’ બન્નેએ ભારતમાં બૉક્સ-ઑફિસ પર અઢીસો કરોડ રૂપિયા કરતાં વધુનો નેટ બિઝનેસ કરી લીધો છે. રવિવાર સુધીમાં ‘સિંઘમ અગેઇન’નો બિઝનેસ ૨૫૪.૩૫ કરોડ અને ‘ભૂલભુલૈયા 3’નો ૨૫૧.૬૫ કરોડ રૂપિયા થયો છે. એ જોતાં બન્નેના બિઝનેસમાં માત્ર ૨.૭ કરોડ રૂપિયાનો ફરક છે.
ઓવરઑલમાં જરાક પાછળ રહેલા રૂહબાબા જોકે બીજા અઠવાડિયામાં અને હવે ત્રીજા વીકએન્ડમાં બાજીરાવ સિંઘમ કરતાં બળૂકા પુરવાર થયા છે. પહેલા અઠવાડિયામાં ‘સિંઘમ અગેઇન’નો બિઝનેસ ૧૮૬.૬૦ કરોડ અને ‘ભૂલભુલૈયા 3’નો ૧૬૮.૮૬ કરોડ હતો, પછી બીજા અઠવાડિયે ટ્રેન્ડ બદલાઈ ગયો હતો. બીજા સપ્તાહમાં ‘ભૂલભુલૈયા 3’એ ૬૬.૦૧ કરોડ રૂપિયા અને ‘સિંઘમ અગેઇન’એ ૫૪.૬૧ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. હવે ત્રીજા અઠવાડિયાના વીકએન્ડમાં પણ એવું જ થયું છે. ‘સિંઘમ અગેઇન’એ શુક્ર-શનિ-રવિમાં ૧૩.૧૪ કરોડ રૂપિયા જ્યારે ‘ભૂલભુલૈયા 3’એ આ ત્રણેય દિવસે એને ટક્કર મારીને ૧૬.૭૮ કરોડ રૂપિયા રળ્યા છે.