18 વર્ષ જૂના કેસમાં ગાયક દલેર મહેંદીની ધરપકડ, કોર્ટે ફટકારી 2 વર્ષની સજા

14 July, 2022 05:38 PM IST  |  Patiala | Gujarati Mid-day Online Correspondent

આ મામલામાં સુનાવણી દરમિયાન પટિયાલા કોર્ટે દલેર મહેંદીને દોષી ઠેરવ્યો હતો

ફાઇલ તસવીર

પંજાબના લોકપ્રિય ગાયક દલેર મહેંદીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગાયકને માનવ તસ્કરીના કેસમાં 2018માં બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, જેનો તેણે પડકાર્યો હતો. હવે ગુરુવારે સુનાવણી દરમિયાન પંજાબની પટિયાલા કોર્ટે દલેર મહેંદીની 2 વર્ષની સજા યથાવત રાખી છે.

આ મામલામાં સુનાવણી દરમિયાન પટિયાલા કોર્ટે દલેર મહેંદીને દોષી ઠેરવ્યો હતો અને પછી તેને સજા સંભળાવી હતી. આ 2003ના કબૂતરખાનાનો કિસ્સો છે. આ કેસમાં દલેર મહેંદી અને તેના ભાઈ વિરુદ્ધ કુલ 31 કેસ નોંધાયા હતા. પટિયાલા કોર્ટના ચુકાદા બાદ કોર્ટમાં દલેર મહેંદીની ધરપકડ કરવામાં આવી છે.

શું છે મામલો?

2003માં દલેર મહેંદી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. તેના પર ગેરકાયદેસર રીતે લોકોને વિદેશ મોકલવાનો આરોપ હતો. એવું કહેવાય છે કે આ કરવા માટે દલેર મહેંદીએ લોકો પાસેથી તગડી રકમ એકઠી કરી હતી. 1998 અને 1999ની વચ્ચે, દલેર મહેંદીએ સાન ફ્રાન્સિસ્કો અને ન્યુ જર્સીમાં ઓછામાં ઓછા 10 લોકોને ગેરકાયદેસર રીતે મોકલ્યા હતા. આ પછી દલેર મહેંદી અને તેના દિવંગત ભાઈ શમશેર સિંહ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કેસ નોંધાયા બાદ બંને ભાઈઓ વિરુદ્ધ 35 જેટલી ફરિયાદો નોંધાઈ હતી.

બંને ભાઈઓ લોકોને વિદેશ લઈ જવા માટે પેસેજ મની તરીકે 1 કરોડ લેતા હતા, પરંતુ લોકોની ફરિયાદ મુજબ, સોદો ક્યારેય પાક્કો થયો ન હતો અને તેમના પૈસા ક્યારેય પરત કરવામાં આવ્યા ન હતા. 2006માં દિલ્હીના કનોટ પ્લેસમાં આવેલી તેમની ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી કેસ ફાઈલના દસ્તાવેજો અને પાસના પૈસા મળી આવ્યા હતા.

2018માં પંજાબની પટિયાલા કોર્ટે 2003ના માનવ તસ્કરી કેસમાં દલેરને દોષી જાહેર કર્યો અને તેને બે વર્ષની જેલની સજા ફટકારી, પરંતુ સજા સંભળાવ્યાના 30 મિનિટ બાદ જ દલેર મહેંદીને કોર્ટે જામીન આપી દીધા હતા.

entertainment news bollywood news daler mehndi