02 January, 2023 02:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અદનાન સમી
અદનાન સમીએ જણાવ્યું છે કે તેણે વજન ઘટાડવા માટે કોઈ સર્જરી નથી કરાવી, પરંતુ ટેક્સસમાં જઈને ન્યુટ્રિશનિસ્ટની દેખરેખમાં વજન ઉતાર્યું હતું. તેનું કહેવું છે કે લોકોને એમ લાગતું હતું કે તેણે કદાચ લિપોસક્શન કરાવ્યું હશે. એ વિશે અદનાન સમીએ કહ્યું કે ‘મારું વજન ઘટવાને કારણે લોકોના મનમાં અનેક સવાલો હતા. લોકો એમ વિચારતા હતા કે મેં કોઈ સર્જરી કે પછી લિપોસક્શન કરાવ્યું હશે. મેં એવી કોઈ પણ સર્જરીની મદદ નથી લીધી.’
વજન ઘટાડવાનો નિર્ણય કેવી રીતે લીધો એ વિશે અદનાને કહ્યું કે ‘મારું વજન ૨૩૦ કિલો હતું અને લંડનના ડૉક્ટરે મને ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું કે જે પ્રકારે હું મારી લાઇફ જીવું છું તો કદાચ છ મહિના બાદ મારા પેરન્ટ્સને કોઈ હોટેલના રૂમમાં હું મૃત અવસ્થામાં મળી આવીશ. મારા પિતા આ બધી ચર્ચા સાંભળી રહ્યા હતા. એ વખતે તેમણે ઇમોશનલ થઈને મારી સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે ‘હું તારા ઉતાર-ચડાવમાં તારી સાથે રહ્યો છું. હંમેશાં તારો હાથ ઝાલી રાખ્યો છે અને કદી પણ તારી પાસે કાંઈ નથી માગ્યું. જોકે હવે તને એક વિનંતી કરું છું કે તારે જ મારી અંતિમ વિધિ કરવાની રહેશે. હું તારી અંતિમ વિધિ ન કરી શકું. કોઈ પિતા તેના બાળકની અંતિમ વિધિ ન કરે.’ એ જ ક્ષણે મેં વજન ઘટાડવાનો ફેંસલો કર્યો. હું ટેક્સસ ગયો અને મને ત્યાં શાનદાર ન્યુટ્રિશનિસ્ટ મળી ગયા. તેણે મારી લાઇફસ્ટાઇલ એકદમ બદલી નાખી અને મને કહ્યું કે આજીવન મારે આ જ લાઇફસ્ટાઇલનું પાલન કરવાનું રહેશે.’