28 July, 2022 03:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રેયસ તલપડે
શ્રેયલ તલપડે તેની આગામી ફિલ્મ ‘ઇમર્જન્સી’માં અટલ બિહારી વાજપેયીની ભૂમિકામાં જોવા મળશે. કંગના રનોટ દ્વારા આ ફિલ્મને પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. આ ફિલ્મને ડિરેક્ટ પણ કંગના કરી રહી છે જે સ્વર્ગીય પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં કંગના જ ઇન્દિરા ગાંધીનું પાત્ર પણ ભજવી રહી છે. અનુપમ ખેર આ ફિલ્મમાં રેવલ્યુશનરી લીડર જે. પી. નારાયણનું પાત્ર ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં હવે શ્રેયસ તલપડેની પણ એન્ટ્રી થઈ ગઈ છે જે અટલ બિહારી વાજપેયીનું પાત્ર ભજવી રહ્યો છે. આ વિશે કંગનાએ કહ્યું કે ‘તે આ ફિલ્મમાં અટલ બિહારી વાજપેયીનું પાત્ર ભજવી રહ્યો છે. ઇન્દિરા ગાંધી જ્યારે પહેલી વાર પ્રાઇમ મિનિસ્ટર બન્યાં ત્યારે અટલ બિહારી વાજપેયી એક યુવાન લીડર હતા. તે ‘ઇમર્જન્સી’ના હીરોઝમાંના એક છે. અમને ખુશી છે કે તે ફિલ્મમાં અમારી સાથે કામ કરી રહ્યો છે. મને અંગત રીતે લાગે છે કે ફિલ્મમાં અટલ બિહારી વાજપેયી તરીકેનું તેનું પાત્ર ખૂબ જ યાદગાર રહેશે. આ મહત્ત્વના પાત્ર માટે અમને તેના જેવો પાવરફુલ પર્ફોર્મર મળ્યો એની ખુશી છે.’
આ વિશે તલપડેએ કહ્યું કે ‘અટલજી ઇન્ડિયાના જ નહીં, પરંતુ દુનિયાભરના ખૂબ જ પસંદીદા લીડરમાંના એક છે. તેઓ ખૂબ જ હોશિયાર અને પ્રેરણાત્મક લીડર હતા. તેમનું પાત્ર ભજવવું એ ગર્વની વાત તો છે, પરંતુ ખૂબ જ મોટી જવાબદારી પણ છે. આશા રાખું છું કે હું દરેકની આશા પર ખરો ઊતરી શકું. આ પાત્ર માટે હું મારાથી બનતી તમામ કોશિશ કરીશ. કંગના મૅમ દેશની ખૂબ જ સારી અને વર્સટાઇલ ઍક્ટ્રેસ છે. તેમણે એ સાબિત કરીને દેખાડ્યું છે. જોકે તેમને ડિરેક્ટર તરીકે નજીકથી જોવાં એનો હું પહેલી વાર એક્સ્પીરિયન્સ કરીશ.’