સ્ત્રી 2એ બૉલીવુડમાં શરૂ કરી ₨ ૬૦૦ કરોડની નવી ક્લબ

23 September, 2024 11:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૧૭માં હિન્દી ‘બાહુબલી 2’એ ૫૦૦ કરોડ રૂપિયાની ક્લબ લૉન્ચ કરેલી એ પછી છેક ૭ વર્ષે નવો માઇલસ્ટોન પાર થયો.

ફિલ્મનો સીન

સ્ત્રી 2’એ ગઈ કાલના રવિવારે ભારતમાં કેટલો બિઝનેસ કર્યો એના આંકડા તો આજે આવશે, પણ એટલું નક્કી હતું કે ગઈ કાલે એ ૬૦૦ કરોડની ક્લબમાં પ્રવેશી ગઈ હશે. એનું કારણ એ છે કે શનિવારે ૩.૮૦ કરોડ રૂપિયા રળીને આ ફિલ્મે ૫૯૮.૯૦ કરોડ રૂપિયા તો બૉક્સ-ઑફિસ પરથી ભેગા કરી લીધા છે. એનો મતલબ એ થયો કે ૬૦૦ કરોડમાં ગઈ કાલે ખૂટતા હતા માત્ર ૧.૧૦ કરોડ રૂપિયા.

બૉલીવુડમાં સૌથી વધુ કમાણી કરવામાં ‘જવાન’ને પાછળ પાડીને ‘સ્ત્રી 2’ નંબર વન બની ગઈ એ પછી એના નામે ૬૦૦ કરોડની ક્લબમાં પ્રવેશવાની નવી સિદ્ધિ ઉમેરાઈ છે, કારણ કે આ અગાઉ કોઈ હિન્દી ફિલ્મે એકલા ભારતમાં આટલો બિઝનેસ નથી કર્યો.

બૉલીવુડમાં ૨૦૦૮માં ‘ગજિની’એ ૧૦૦ કરોડ રૂપિયાનું નેટ બૉક્સ-ઑફિસ કલેક્શન કરીને ત્રિઅંકી ક્લબ શરૂ કરી હતી. છેલ્લે હિન્દી ‘બાહુબલી 2’એ ૨૦૧૭માં ૫૦૦ કરોડની ક્લબ લૉન્ચ કરી હતી અને એ પછી ૭ વર્ષે ૬૦૦ કરોડની નવી ક્લબ ખૂલી છે.

પ્રતિષ્ઠિત ત્રિઅંકી ક્લબ શરૂ કરનારી હિન્દી ફિલ્મો

₨ ૧૦૦ કરોડ    ગજિની     ૨૦૦૮
₨ ૨૦૦ કરોડ    થ્રી ઇડિયટ્સ    ૨૦૦૯
₨ ૩૦૦ કરોડ    PK    ૨૦૧૪
₨ ૪૦૦ કરોડ    બાહુબલી 2    ૨૦૧૭
₨ ૫૦૦ કરોડ    બાહુબલી 2    ૨૦૧૭
₨ ૬૦૦ કરોડ    સ્ત્રી 2    ૨૦૨૪

shraddha kapoor rajkummar rao entertainment news bollywood news bollywood box office