17 August, 2024 09:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘સ્ત્રી 2’
શ્રદ્ધા કપૂરની હૉરર-કૉમેડી ફિલ્મ ‘સ્ત્રી 2’ ગુરવારે રિલીઝ થઈ છે. આ ફિલ્મના પહેલા દિવસનો બિઝનેસ ૫૫.૪૦ કરોડનો થયો છે. એ પહેલાં ગયા વર્ષે રિલીઝ થયેલી શાહરુખ ખાનની ‘જવાન’એ ૬૫.૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. એ હિન્દીમાં પહેલા દિવસે સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ બની હતી. ત્યાર બાદ હવે શ્રદ્ધાની ‘સ્ત્રી 2’એ કરેલા ૫૫.૪૦ કરોડને જોતાં પહેલા દિવસે સૌથી વધુ બિઝનેસ કરનારી એ બીજી ફિલ્મ બની ગઈ છે. ત્રીજા નંબર પર ગયા વર્ષે રિલીઝ થયેલી શાહરુખની ‘પઠાન’ છે, જેણે પહેલા દિવસે ૫૫ કરોડનું કલેક્શન કર્યું હતું. બાદમાં ચોથા નંબર પર ગયા વર્ષે રિલીઝ થયેલી રણબીર કપૂરની ‘ઍનિમલ’ છે, જેણે પહેલા દિવસે ૫૪.૭૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. પાંચમા નંબર પર ૫૩.૯૫ કરોડની સાથે સાઉથના યશની ‘KGF : ચૅપ્ટર 2’ છે. તો છઠ્ઠા નંબરે ૫૧.૬૦ કરોડની સાથે હૃતિક રોશનની ‘વૉર’ છે. ‘સ્ત્રી 2’માં રાજકુમાર રાવ, પંકજ િત્રપાઠી અને અપારશક્તિ ખુરાના પણ જોવા મળી રહ્યા છે. બુધવારે રાત્રે ‘સ્ત્રી 2’ના પ્રીવ્યુ શો યોજાયા હતા, જેમાંથી આ ફિલ્મે ૯.૪૦ કરોડ રૂપિયા રળ્યા છે. એમાં ડિરેક્ટર અમર કૌશિકે હૉરર-કૉમેડીનો ખૂબ સરસ રીતે સમન્વય સાધ્યો છે. સાથે જ ફિલ્મનું મ્યુઝિક પણ એને ખાસ બનાવે છે.
‘સ્ત્રી 2’ની સાથે સ્વાતંયદિને અક્ષયકુમારની ‘ખેલ ખેલ મેં’ અને જૉન એબ્રાહમની ‘વેદા’ પણ રિલીઝ થઈ છે. જોકે આ બન્ને ફિલ્મો પર ‘સ્ત્રી 2’ ભારે પડી રહી છે. બુધવારે ૯.૪૦ કરોડ અને ગુરુવારે ૫૫.૪૦ કરોડની સાથે કુલ મળીને ‘સ્ત્રી 2’એ ૬૪.૮૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. ૨૦૧૮માં આવેલી ‘સ્ત્રી’એ પહેલા અઠવાડિયામાં ૬૦.૩૯ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ‘સ્ત્રી 2’એ આ આંકડો પ્રીવ્યુ શો ઉપરાંતના એક દિવસમાં વટાવી દીધો છે.
બીજી તરફ ‘ખેલ ખેલ મેં’ અને ‘વેદા’નો બિઝનેસ નબળો છે. ‘ખેલ ખેલ મેં’માં અક્ષયકુમારની સાથે તાપસી પન્નુ, વાણી કપૂર, એમી વિર્ક, પ્રજ્ઞા જયસ્વાલ અને આદિત્ય સીલ જોવા મળી રહ્યાં છે. જોકે બૉક્સ-ઑફિસ પર એનું પ્રદર્શન ફીકું દેખાઈ રહ્યું છે. પહેલા દિવસે ‘ખેલ ખેલ મેં’એ ૫.૨૩ કરોડનું કલેક્શન કર્યું છે. ટૂંકમાં આ ફિલ્મ લોકોને થિયેટરમાં લાવવામાં ફેલ થઈ છે.
વાત કરીએ ઍક્શન અને ડ્રામા દેખાડતી ફિલ્મ ‘વેદા’ની તો ફિલ્મમાં જૉન એબ્રાહમની સાથે શર્વરી વાઘ જોવા મળે છે. ઊંચ-નીચના ભેદભાવ પર આ ફિલ્મ પ્રહાર કરે છે. વેદાનો રોલ કરતી શર્વરીને બૉક્સિંગ શીખવાની ઇચ્છા થાય છે. એવામાં આર્મીમાંથી તગેડી મૂકવામાં આવેલા અભિમન્યુ સિંહનો રોલ કરનાર જૉન તેની મદદ કરે છે. આ ફિલ્મે ‘ખેલ ખેલ મેં’ની સરખામણીએ પહેલા દિવસે થોડો વધારે એટલે કે ૬.૭૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.