02 December, 2023 07:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘સાલાર : પાર્ટ 1 સીઝફાયર’ના શૂટિંગ સમયની તસવીર
પ્રભાસની આગામી ફિલ્મ ‘સાલારઃ પાર્ટ 1 સીઝફાયર’નું શૂટિંગ ૧૧૪ દિવસે પૂરું કર્યું હોવાની વાત ફિલ્મના ડિરેક્ટર પ્રશાંત નીલે કરી છે.
આ ફિલ્મ બાવીસમી ડિસેમ્બરે હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં પ્રભાસ સાથે શ્રુતિ હાસન, પૃથ્વીરાજ સુકુમારન અને જગપતિ બાબુ જોવા મળશે. ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો જણાવતાં પ્રશાંત નીલે કહ્યું કે ‘પંદર વર્ષ પહેલાં ‘સાલાર’ બનાવવાનો વિચાર મારા મનમાં આવ્યો હતો. જોકે પહેલી ફિલ્મ ‘ઉગ્રમ’ બનાવ્યા બાદ હું ‘KGF’માં બિઝી થઈ ગયો હતો. એને બનાવવામાં મને ૮ વર્ષ લાગી ગયાં હતાં એટલે કે અમે ‘KGF’ બનાવવાનું પ્લાનિંગ કરી અને એનો બીજો પાર્ટ પણ આવી ગયો તો આઠ વર્ષ પસાર થઈ ગયાં હતાં. કોવિડ દરમ્યાન જ્યારે ‘KGF 2’ રિલીઝ ન થઈ તો અમારી પાસે ઘણો સમય હતો, કેમ કે અમે બધા ઘરે જ બેઠા હતા. એ દરમ્યાન મેં એના પર થોડું કામ કર્યું હતું.’
‘સાલાર : પાર્ટ 1 સીઝફાયર’ના શૂટિંગ વિશે પ્રશાંત નીલે કહ્યું કે ‘અમે ફિલ્મનો પૂરો ભાગ રામોજી ફિલ્મ સિટી, હૈદરાબાદમાં શૂટ કર્યો હતો. સિંગનેરી માઇન્સ હૈદરાબાદથી પાંચ કલાકના અંતરે છે જ્યાં અમે શૂટિંગ કર્યું છે. સાથે જ અમે સાઉથ પોર્ટ્સ, મૅન્ગલોર પોર્ટ અને વિઝાગ પોર્ટમાં પણ શૂટિંગ કર્યું હતું. ફિલ્મનો નાનકડો ભાગ અમે યુરોપમાં શૂટ કર્યો હતો. ફિલ્મનું શૂટિંગ લગભગ ૧૧૪ દિવસ ચાલ્યું હતું.’